પાટણઃ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગદોડ નજીક રોડ પર પૂરફાટ ઝડપે જતી કારની આગળ નીલગાય આવતા કારચાલકે નીલગાયને બચાવવા જતાં કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાતા બેના મોત નિપજ્યા હતા. જ્યારે 4 જણાને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતનો ભોગ બનેલા દેસાઈ પરિવાર સુરત રહે છે. અને પોતાના વતન ગણેશપુરા આવી રહ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હતો. ઝાડ સાથે કાર એટલી ધડાકાભેર અથડાઈ હતી કે, ટ્રેક્ટર વડે કારને ઝાડથી અલગ કરી બહાર કાઢવામાં આવી હતી.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, પાટણના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના વતની હાલ સુરત ખાતે રહેતો દેસાઈ પરિવાર રવિવારે બે વાગ્યા આસપાસ રાત્રે વતનમાં આવી રહ્યો હતો. તે દરમિયાન વાગડોદથી વાદાની નજીક રોડ ઉપર નીલગાય આડી ઊતરતા તેને બચાવવા જતા ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા પરિવારના છ સભ્યોને ઈજા પહોંચી હતી. જેમાં એક બાળક અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ઈજાગ્રસ્ત 4 લોકોમાંથી એકની હાલત ગંભીર છે. આ બનાવને પગલે સમાજના લોકો મોટી સંખ્યામાં પાટણ સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા અને ભારે શોકમય વાતાવરણ બન્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામના દેસાઈ પરિવાર સુરત રહે છે. ગણેશપુરા પોતાના વતનમાં જોગણી માતાજીના પ્રસંગ નિમિત્તે સુરતથી કારમાં ગણેશપુરા આવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રે આશરે બે વાગ્યાની આસપાસ સરસ્વતી તાલુકાના વગદોડથી વદાણી તરફના રોડના વળાંકમાં નીલગાય વચ્ચે આવતા કારચાલક રાજુભાઇ જીવાભાઈ રબારીએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 6 લોકોને ઈજા પહોંચી હતી. જેમાં બે લોકોના મોત થયા છે. અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમજ કાર પર રબારી સમાજ લખેલું હોવાની જાણ થતાં રબારી સમાજના લોકોને જાણ કરી હતી. જેથી સમાજના લોકો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. ઝાડ સાથે કાર એટલી ધડાકાભેર અથડાઈ હતી કે, ટ્રેક્ટર વડે કારને ઝાડથી અલગ કરી બહાર કાઢવામાં આવી હતી. તેમજ 108ને જાણ કરતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યાર બાદ ત્રણ 108 મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 5 વર્ષના મોહિતકુમાર મહેશભાઈ રબારી અને ઈશાબેન જીવાભાઈ રબારીનું મોત થયું હતું. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.