Site icon Revoi.in

ગોંડલ-જસદણ હાઈવે પર ટ્રકની ઓવરટેક કરવા જતાં બે કાર સામસામે અથડાતા 2નાં મોત, 5ને ઈજા

Social Share

રાજકોટઃ જિલ્લામાં હાઈવે પર રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ગોંડલ-જસદણ હાઈવે પર બન્યો હતો.  ગોંડલ-જસદણ હાઇવે આજે વહેલી સવારે ઘોઘાવદર ગામ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા સહિત 2ના મોત નિપજ્યા છે. જ્યારે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ અને નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે મૃતકના મૃતદેહને પી.એમ અર્થે ગોંડલ અને જસદણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ નજીક ઇનોવા કાર અને ટ્રાઇબર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇનોવા કાર જસદણથી કોડીનાર જતી હતી, ત્યારે ઇનોવા કારચાલક ટ્રકની ઓવરટેક કરવા જતાં ગોંડલ તરફથી સામે આવતી ટ્રીબર કાર સામે અથડાઇ હતી. બંને કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કરને લીધે બંને કાર પલટી મારી ગઈ હતી. ઇનોવા કારમાં પાંચ લોકો સવાર હતા. જેમાં ઇનોવા કાર ચાલક આરીફ હબીબ પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. તેમજ ઇનોવા કારમાં સવાર રેહાનાબેન અસરફભાઈ ખીમાણી નામની મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. જ્યારે ઇનોવા કારમાં અન્ય ત્રણ લોકો નસરીનબેન અસ્લમભાઇ પરિયાણી (ઉ.વ.50), હાજી હુસેનભાઈ ખીમાણી (ઉ.વ.70) અને સેજાનભાઈ ખીમાણી (રહે.બધા જસદણ) અને ગોંડલ તરફથી આવતી ટ્રીબર કારમાં સવાર પરેશ જેન્તી ડાંગર (ઉ.વ.25) અને તેજસ રવજીભાઈ પાનસુરીયા (ઉ.વ.25)ને ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઘોઘાવદર નજીક બે કાર વચ્ચે ગોઝારો અકસ્માત વહેલી સવારે થયો હતો. 108 એમ્બ્યુલન્સને સવારે સવા છ વાગ્યાની આસપાસ અકસ્માતનો કોલ મળ્યો હતો. જેમાં બે 108 એમ્બ્યુલન્સ, 2 નગરપાલિકાની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યારે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશ માધડ, નગરપાલિકા ફાયર સ્ટાફ, સામાજિક કાર્યકરો સહિતના સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અકસ્માતના સમગ્ર બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.