Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં 2 આતંકવાદીઓ માર્યા ગયા,બે AK-47 રાઈફલ અને અન્ય હથિયારો મળી આવ્યા  

Social Share

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.આતંકીઓ પાસેથી બે એકે-47 રાઈફલ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ત્રાલના શાહિદ રાથર અને શોપિયાંના ઉમર યુસુફ તરીકે થઈ છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું હતું કે આતંકવાદી શાહિદ અરિપાલની એક મહિલા અને લુરગામ ત્રાલના સરકારી કર્મચારી જાવિદ અહેમદની હત્યામાં સામેલ હતો અને અન્ય આતંકવાદી ગુનાઓમાં સામેલ હતો.

સોમવારે પણ જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક આતંકવાદી માર્યો ગયો હતો. કાશ્મીર પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, આતંકવાદીઓને શોધવા માટે રવિવારે રાત્રે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધા પછી જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે વહેલી સવારે એક આતંકવાદી માર્યો ગયો હતો.

આ પહેલા જમ્મુ-કાશ્મીર પોલીસે કઠુઆ જિલ્લામાં સરહદ પારથી આવતા ડ્રોનને તોડી પાડ્યું હતું. હકીકતમાં, કઠુઆ જિલ્લાના રાજબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના તલ્લી હરિયા ચકમાં બોર્ડર તરફથી એક ડ્રોન આવતું જોવા મળ્યું હતું, જેને નષ્ટ કરવામાં આવ્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે ડ્રોન સાથે કેટલીક વસ્તુઓ બાંધેલી પણ મળી આવી છે.