Site icon Revoi.in

ધોળકાના સુએજ પ્લાન્ટમાં ચેમ્બરમાં સફાઈ કામ કરવા ઊતરેલા 2 કામદારોનાં ઝેરી ગેસથી મોત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ગટર સાફ કરતા સફાઈ કામદારોના મોતના બનાવો વધતા જાય છે. ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકામાં ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઈ કામદારોના ઝેરી ગેસની અસરથી મોત નિપજ્યા હતા. બંન્ સફાઈ કામદારોને શોધવા માટે અમદાવાદથી ફાયરની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. ખાનગી કંપનીના બે કામદારો સુએજ પ્લાન્ટની ચેમ્બરમાં ગટર સાફ કરવા માટે ઊતર્યા હતા. જો કે, આ દરમિયાન સંભવિત ગેસ ગળતરના કારણે આ બંને કામદારનાં મોત થયાં હતાં. બીજી તરફ કામદારોને બચાવવા ઊતરેલા સ્થાનિક તરવૈયાને પણ સારવાર હેઠળ ખસેડાયો હતો.

ફાયરના સૂત્રોના જણાવ્યા મુજબ  ધોળકાના સુએજ પ્લાન્ટમાં ઊતરેલા બંને કામદાર મૂળ બાવળાના શિયાળ ગામના વતની છે. ગોપાલ પઢાર(ઉં.વ. 32) અને બીજલ પઢાર (ઉં.વ.30) હોવાનું જાણવા મળ્યુ છે. બંને કામદારો ખાનગી કંપની માટે કામ કરતા હતા. અને ધોળકાના પુલેન સર્કલ પાસે આવેલી એસ.ટી.પી. (સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)માં સફાઈ માટે ઊતર્યા હતા. તે દરમિયાન આ દુર્ઘટના બની હતી. ધોળકાના સુએજ પ્લાન્ટમાં બે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ સફાઈ માટે ઊતર્યા હતા. ત્યારબાદ બંને અંદર ફસાઈ ગયા હતા. ગેસ ગળતરના કારણે બંને ફસાઈ જતાં તેમને બચાવવાની કામગીરીમાં પહેલાં ધોળકા ફાયર વિભાગના કમર્ચારીઓ જોડાયા હતા. જોકે, સફળતા ન મળતા આખરે અમદાવાદના ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી. જેથી આ ઘટનામાં અમદાવાદથી ફાયરની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. બંને કામદારોને બચાવવા ઊતરેલા સ્થાનિક તરવૈયાઓ પણ સારવાર હેઠળ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્ય અને દેશમાં શારીરિક રીતે ગટર સાફ કરવા બાબતે સુપ્રીમ કોર્ટના પ્રતિબંધ છતાં અનેક મજૂરો આ રીતે ગટરની સફાઇ કરતા હોય છે. જેમાં અવાર-નવાર આવા મજૂરોના ગૂંગળાઈ જવાથી મૃત્યુ થતા હોય છે. સફાઈ અને ગટર સાફાઈ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. અને કોન્ટ્રાકટરોની બેદરકારીથી સફાઈ કામદારોના મોતના બનાવો બની રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2022માં લોકસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે 2017થી 2022 સુધીમાં 400 જેટલા મજૂરોનું આવા કામ દરમિયાન મોત થયું છે. પ્રોહેબિશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેનજર્સ એન્ડ ઘેર રિહેબિલિટેશન (PEMSA) એક્ટ-2013 અંતર્ગત મજૂરો પાસેથી શારીરિક રીતે આવું કામ ન કરાવી શકાય. આ માટે સ્થાનિક સરકારો સાધનો પૂરાં પાડે છે. પરંતુ કેટલીક વખત માનવીય હસ્તક્ષેપની જરૂર હોય ત્યારે મજૂરો પાસે ગેસ મીટર, ગેસ માસ્ક, ઓક્સિજનની વ્યવસ્થા વગેરે હોવું જોઈએ. નિયમો તો છે. પણ એનું પાલન કરાતું નથી