કોરોના સંકટઃ ભારતમાં એક જ દિવસમાં 20.61 લાખ લોકોના કોવિડ ટેસ્ટ
દિલ્હીઃ દેશમાં 24 કલાકમાં 20.61 લાખ કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ સાથે, ભારતે ફરીવાર એક જ દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે પરીક્ષણો કરવાનો નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. બીજી તરફ, હાલમાં દૈનિક પોઝિટીવિટી દર ઘટીને 12.59 ટકા થઇ ગયો છે.
ભારતમાં સતત આઠમા દિવસે દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સંખ્યા કરતાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહી છે. 24 કલાકમાં દેશમાં વધુ 3,57,295 દર્દી સાજા થયા છે. ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને આજે 2,27,12,735 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 87.25 ટકા સુધી પહોંચી ગયો છે. નવા સાજા થયેલામાંથી 74.55 ટકા દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.
અન્ય એક સકારાત્મક સુધારો એ છે કે, ભારતમાં સળંગ પાંચમાં દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાતા કેસનો આંકડો 3 લાખથી ઓછો રહ્યો છે. 24 કલાકમાં દેશમાં દૈનિક ધોરણે નવા 2,59,551 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. નવા કેસોમાંથી 76.66 ટકા દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. દેશમાં એક દિવસમાં સૌથી વધુ 35,579 નવા કેસ તમિલનાડુમાં નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, કેરળમાં એક દિવસમાં વધુ 30,491 કેસ નોંધાયા છે. બીજી બાજુ, ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ ઘટીને આજે 30,27,925 થઇ ગયું છે.
24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 1,01,953 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હવે સક્રિય કેસોની સંખ્યા 11.63 ટકા રહી છે.