- કચ્છના બન્નીમાં ચિતલ હરણોને ટ્રકમાંથી ઉતારતા જ ઉછળ-કૂદ કરવા લાગ્યા,
- હજુ વધુ 10 ચિતલ હરણોને લવાશે,
- ઘાસિયા મેદાનનું વાતાવરણ માફક આવશે એવી વન વિભાગને આશા
ભૂજઃ કચ્છમાં પ્રથમવાર બન્નીના ઘાસીયા મેદાનમાં ચિતલ હરણ લાવવામાં આવ્યા છે. રામપરા વન્યજીવ અભયારણ્ય મોરબીથી 20 ચિતલ ખાસ વાહનથી ટ્રાન્સલોકેટ કરી બન્નીમાં લાવવામાં આવ્યા છે, અને વધુ 10 જેટલા ચિતલ હરણોને લવાશે. આમ 30 ચિતલ હરણો ઘાસિયા મેદાનમાં વિહાર કરશે, હરણોને ઘાસિયા મેદાનનું વાતાવરણ માફક આવી જશે એવું વન વિભાગનું માનવું છે. વન વિભાગ દ્વારા ચિતલની દેખભાળ રાખવામાં આવી રહી છે.
કચ્છ વર્તુળનાં મુખ્ય વન સંરક્ષક ડો.સંદીપ કુમારે કહ્યુ હતું કે, ચિતલ હરણને રામપરાથી બન્ની લાવવામાં આવ્યા છે, જેના માટે ખાસ વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલ 20 ચિતલ લાવવામાં આવ્યા છે. અને હજુ વધુ 10 જેટલા હરણો લાવવામાં આવશે. ચિતલ હરણ સામાન્ય રીતે જંગલમાં રહેવા ટેવાયેલા છે, તેને પહેલી વાર ઘાસિયા મેદાનમાં લાવવામાં આવ્યા છે. 100 હેકટર વિસ્તારમાં ફેન્સીંગ ઉભી કરી તેના માટે બ્રીડીંગ સેન્ટર ઉભુ કરાયું છે. અને હવે તેને CCTV કેમેરા દ્વારા મોનીટર કરવામાં આવશે. કચ્છ લાવવામાં આવેલા ચિતલને બોમા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પકડી પાડવામાં આવ્યા હતા, બાદમાં ખાસ વાહનમાં બેસાડી અને કચ્છ ખસેડવામાં આવ્યા હતા. 20 ચિતલ 280 કિલોમીટર માર્ગવાટે પ્રવાસ ખેડી કચ્છ પહોંચ્યા છે અને હાલ બન્નીમાં ઉછળકૂદ કરી રહ્યા છે. જો કે કચ્છ માફક આવશે કે કેમ તે આવનારો સમય બતાવશે.