ગાંધીનગરઃ શહેરમાં ચોમાસા પહેલા જ જર્જરિત બનેલા આવાસ ખાલી કરવા માટે વારંવાર નોટિસો આપવા છતાંયે આવાસો ખાલી ન કરાતા આખરે ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશન અને પાટનગર યોજના વિભાગ દ્વારા જર્જિરિત મકાનોના પાણી અને વીજળીના કનેક્શનો કાપી નખાયા હતા. છતાંપણ 20 જેટલા રહિશો એવા છે. કે, પાણી અને વીજળીના કનેક્શનો કપાઈ ગયા છતાં ક્વાટર્સ ખાલી કર્યા નથી.
ગાંધીનગરમાં ભયજનક સરકારી આવાસોને લઈને તંત્ર કંઈ પણ કાચું કાપવા માંગતુ ન હોય તેમ ચોમાસાની શરૂઆત પૂર્વે જ ભયજનક આવાસોના રહેવાસીઓને નોટિસ ફટકારીને આવાસો ખાલી કરાવાની કામગીરી હાથ ધરી હતી. નોટિસ બાદ પણ વિશેષ ફરક ન પડવાને કારણે મ્યુનિ.કોર્પોરેશન અને પાટનગર યોજના વિભાગ દ્વારા પાણી ડ્રેનેજ અને લાઈટના જોડાણ કાપી નાંખવાનો નિર્ણય કરાયો હતો. જેથી શહેરના મોટાભાગના ભયજનક આવાસો ખાલી થયાં હતાં પરંતુ લાઈટના જોડાણ કાપવાનો આખરી ઉપાય કારગત ન નિવડ્યો હોય તેમ હજુ 20 પરિવારો ભયજનક આવાસોમાં વસવાટ કરી રહ્યાં છે. જેને લઈને તંત્રે પણ હાલ તો હાથ ઉંચા કરી લીધાં હોય તેમ જોવાં મળી રહ્યું છે. ગત વર્ષે સેક્ટર 29માં વરસાદને લીધે જર્જરિત આવાસનું છજું પડવાથી રહેવાસીનું મૃત્યુ થવાની ઘટના નોંધતાં અધિકારીઓ દોડતાં થઈ ગયાં હતાં. સચિવાલય કક્ષાએથી પણ આ બાબતે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. ફરીથી આ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેને લઈને તંત્રે કડક પગલાં ભર્યા બાદ પણ હજુ 20 જેટલાં ભયજનક આવાસો ખાલી થયાં નથી. તંત્ર દ્વારા તેમની લાઈટના કનેક્શન કટ કર્યા બાદ લાઈટના મીટર પણ કાઢી નાંખવામાં આવેલાં છે.
સૂત્રોના જણાવ્યા મુજબ કર્મચારીઓ દ્વારા આવાસો ખાલી થતાં ન હોવાથી ભયજનક આવાસો જમીનદોસ્ત કરવાની કામગીરીમાં પણ બ્રેક વાગે છે. તંત્રે જોડાણ કાપીને કડક કાર્યવાહી કર્યાં બાદ પણ તેમની મનમાની કરવા પર ઉતરી આવેલાં કેટલાંક રહેવાસીઓ જીવના જોખમે હાલ તો ભયજનક આવાસોમાં અનઅધિકૃત વસવાટ કરી રહ્યાં છે. તંત્ર દ્વારા આ બાબતે તમામ પ્રકારના પગલાં ભરી દેવામાં આવ્યાં છે. તેમ છતાં તંત્રને ન ગાંઠતાં કર્મચારીઓ સામે આગામી દિવસોમાં કાનૂની રાહે આખરી પગલાં ભરાશે.