અમદાવાદઃ પાકિસ્તાનની જેલમાં બંધ 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યાં છે. મોટાભાગના માછીમારો ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકના હોવાનું જાણવા મળે છે. આગામી દિવસોમાં મુક્ત કરાયેલા માછીમારો પરત ઘરે ફરશે. પાકિસ્તાનની જેલમાંથી 20 માછીમારો મુક્ત કરવામાં આવતા માછીમારોના પરિવાર અને સમાજમાં ખુશી ફેલાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમા સાથે જોડાયેલો છે. મોટી સંખ્યામાં માછીમારો દરિયામાં માછીમારી કરે છે. દરમિયાન અવાર-નવાર પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી ભારતીય સીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરતા હોવાની ઘટના સામે આવે છે. હાલ પાકિસ્તાની જેલમાં 500થી વધારે માછોમારો બંધ છે. તેઓ ક્યારે મુક્ત થશે તેને લઈને પરિવારજનો ચિંતિત છે. દરમિયાન પાકિસ્તાનની જેલમાં બંધ 20 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યાં છે.
પાકિસ્તાને મુક્ત કરેલા માછીમારોમાં સુનિલ પ્યારેલાલ, રાજો વિનોદ, બચીલાલ રામસેવક, બાબુ પ્યારેલાલ, વિવેકરામ બસલ, જયસિંઘ ડોસાભાઇ, દિનેશ રાજસિંહ, કમબલપા ભાવેશ બાબુભાઇ, હરિ ભીખા, મનુ વીરા, કરસન ખીમા, ભાવેશ બાસુ, ભાવેશ ભીખા, નરેશ સિદી, કાના દેવા, ગોપાલ જીના, અહેમદ દાદા, ભીમા માલા, ભરત હાજા, ધીરો કાલાનો સમાવેશ થાય છે. માછીમારોને ટ્રેન મારફતે પરત ઘરે ફરશે. પાકિસ્તાન દ્વારા અવાર-નવાર જેલમાં બંધ ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવે છે પરંતુ તેમની બોટ પરત નહીં કરવામાં આવતા માછીમારોની મુશ્કેલી વધે છે. જેથી પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોની સાથે તેમની બોટ પણ મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.