નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે. આ દેશમાં પોતાના પ્રકારનો પહેલો એલિવેટેડ 8 લેન એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે છે. આ એક્સપ્રેસ વે લગભગ 9 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. હરિયાણાના ગુરુગ્રામમાં ખેડકી દૌલા ટોલ પ્લાઝા પાસેથી દિલ્હીના મહિપાલપુર સુધી આવનારા દ્વારકા એક્સપ્રેસ વેનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે.
તેની ખાસિયત છે કે આ દેશનો પહેલો એક્સપ્રેસ-વે છે, જે સિંગલ પિલર પર આઠ લેનનો એક્સપ્રેસ વે છે. આ ઘણાં મામલાઓમાં બુર્જ ખલીફા અને એફિલ ટાવરને પણ પાછળ છોડી દેશે. તેના નિર્માણમાં બે લાખ એમટી સ્ટીલનો ઉપોયગ થશે જે એફિલ ટાવરના નિર્માણની સરખામણીએ 30 ગણું વધારે છે. 20 લાખ સીયૂએમ કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવશે. જે બુર્જ ખલીફાની સરખામણીએ 6 ગણું વધારે છે.
આ એક્સપ્રેસ વેના શરૂ થવાથી દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પર જામમાંથી રાહત મળશે. દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પરથી ટ્રાફિકનું દબાણ ઓછું કરવા માટે દિલ્હીના મહિપાલપુરમાં શિવમૂર્તિની સામેથી લઈને ગુરુગ્રામ ખેડકીદૌલા ટોલ પ્લાઝા નજીક સુધી દ્વારકા એક્સપ્રેસ વે બનાવાય રહ્યો છે. તેને બે ભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે, જેથી તેનું સારી રીતે નિર્માણ થઈ શકે.
એક્સપ્રેસ વેનું હરિયાણા ખંડનું નિર્માણ પૂર્ણ થઈ ચુક્યું છે. દિલ્હી ભાગમાં ટનલ નિર્માણનો લગભગ 10 ટકા ભાગ બાકી છે. આખો પ્રોજેક્ટ તૈયાર થયા બાદ દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ વે પરથી 20 ટકાથી વધુ ટ્રાફિકના દબાણના ઘટવાની આશા છે. દ્વારકા એક્સપ્રેસ વેની લંબાઈ માત્ર 29 કિલોમીટર છે. આ દેશનો સૌથી નાનો એક્સપ્રેસ વે છે. તેના 18.9 ટકા કિલોમીટર ગુરુગ્રામમાં અને 10.1 કિલોમીટર હિસ્સો દિલ્હીમાં પડે છે. 23 કિલોમીટરનો હિસ્સો એલિવેટેડ અને લગભગ 4 કિલોમીટર અંડરગ્રાઉન્ડ ટનલ બનાવાય રહી છે.
દિલ્હી વિસ્તરામાં પહેલો ભાગ ગુરુગ્રામ-દિલ્હી સીમાથી બિજવાસન સુધી લગભગ 4.20 કિલોમીટરનો છે. દિલ્હી વિસ્તારમાં બીજો ભાગ બિજવાસનથી મહિપાલપુરમાં શિવમૂર્તિ સુધી 5.90 કિલોમીટરનો છે. ગુરુગ્રામ વિસ્તારમાં પહેલો ભાગ ખેડકીદૌલા ટોલ પ્લાઝા નજીકથી ધનકોટની નજીક સુધી લગભગ 8.76 કિલોમીટર છે. ગુરુગ્રામ વિસ્તારમાં બીજો ભાગ બસઈ-ધનકોટની નજીકથી ગુરુગ્રામ-દિલ્હી સીમા સુધી લગભગ 10.2 કિલોમીટરનો છે.
હરિયાણામાં આ એક્સપ્રેસ વે પટૌડી રોડ (એસએચ-26)માં હરસરુની નજીક અને ફરુખનગર (એસએચ- 15એ)માં બસઈ પાસે મળશે. તેના સિવાય આ દિલ્હી-રેવાડી રેલવે લાઈનને ગુરુગ્રામ સેક્ટર -88(બી) પાસે અને ભરથલમાં પણ ક્રોસ કરશે. એક્સપ્રેસ વે ગુરુગ્રામમાં પ્રસ્તાવિત ગ્લોબલ સિટી સાથે સેક્ટર-88, 83, 84, 99, 113ને દ્વારકા સેક્ટર-21 સાથે જોડશે.
આ એક્સપ્રેસ વે અન્ય એક્સપ્રેસ વેની સરખામણીમાં સારો હશે, કારણ કે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને ગુરુગ્રામની સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ દિલ્હી અને ગુરુગ્રામની વચ્ચે વાહનવ્યવહારને ઘણો સુગમ બનાવશે. દ્વારકા એક્સપ્રેસ વે બન્યા બાદ દિલ્હીથી ગુરુગ્રામ પહોંચવામાં માત્ર 25 મિનિટનો સમય લાગશે. તો માનસેરથી સિંધુ બોર્ડર 45 મિનિટમાં જ પહોંચી શકાશે. તેનાથી એનએચ-8 પર લગભગ 50 ટકા વાહનવ્યવહાર ઓછો કરવામાં પણ મદદ મળશે. આ એક્સપ્રેસ વેના શરૂ થયા બાદ દરરોજ 12 લાખ વાહનોનું દબાણ મુખ્ય માર્ગો પરથી ઘટી જશે. દ્વારકા એક્સપ્રેસ વેના હરિયાણા ખંડના શરૂ થવાથી ગુરુગ્રામ 35થી વધારે સેક્ટર્સ અને લગભગ 50 ગામને તેનો સીધો લાભ મળશે.