અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. દરમિયાન અવાર-નવાર પાકિસ્તાન સિક્યુરિટી એજન્સી ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરતા હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા વિવિધ જેલમાં બંધ 20 જેટલા ગુજરાતી માછીમારોને આગામી 20મી જૂનના રોજ મુક્ત કરવામાં આવશે. આ અંગેની જાણકારી મળતા માછીમાર પરિવારમાં ખુશી ફેલાઈ છે. તેમજ વતન પરત ફરનારા આ માછીમારોના સ્વાગત માટે પરિવારજનો ઉત્સાહિત છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ 20 જેટલા ગુજરાતી માછીમારોને 19મી જૂનના રોજ મુક્ત કરવામાં આવશે. આ માછીમારો 20મી જૂને વાધા બોર્ડર પહોંચશે અને ભારતીય સેનાને સોંપવામાં આવશે. ત્યાર બાદ આ માછીમારો ટ્રેન મારફતે ગુજરાત પહોંચશે. પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ કાનજી જાદવ, મનો નારણ, દાના વાઘા, જેવા પરબત, રમેશ ડાયા, દિનેશ મેઘા, દેવસી બાબુ, મેરુ દેવસી, નારણ ઓઘડ, ભનરા કારુ, લાલજી રૂખડ, નાનજી હમીર, દિનેશ ભીખા, અબ્બુ ગફર, યુનુસ અલુ, નિસાર કરુણ, અકિલ યુનુસ, અમીન સુલેમાન, ફરીદ અનવર, અનિષ કદીર સહિતના ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવશે. આ અંગેની જાણ થતા માછીમારોના પરિવારમાં ખુશી ફેલાઈ છે.
પાકિસ્તાન દ્વારા અવાર-નવાર ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવે છે પરંતુ તેમની સાથે પકડવામાં આવેલી બોટ પરત કરવામાં નહીં આવતા માછીમારોની આર્થિક મુશ્કેલીમાં વધારો થાય છે. હાલ પાકિસ્તાનના કબજામાં 1150થી વધારે ભારતીય બોટ છે. પાકિસ્તાનના કબજામાં રહેલી બોટ મુક્ત કરાવવા માટે અનેકવાર માછીમારો દ્વારા સરકાર સમક્ષ રજાત કરવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા પોતાના કબજામાં રહેલી ભારતીય માછીમારી બોટ મુક્ત કરવામાં આવે તેવી માંગણી માછીમારો અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે.