અમદાવાદઃ ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાન મરીન સિક્યુરિટી અવાર-નવાર માછીમારી કરતા ભારતીય માછીમારોનું બોટ સાથે અપહરણ કરીને લઈ જતી હોવાની ઘટના અવાર-નવાર સામે આવે છે. દરમિયાન આવતીકાલે પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ લગભગ 20 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ 20 જેટલા માછીમારો 14મી નવેમ્બરના રોજ વાધા બોર્ડર ઉપર પહોંચશે. જ્યાં પાકિસ્તાન સેના આ માછીમારીને ભારતીય સેનાને સોંપશે. બાધા બોર્ડર ઉપરથી આ માછીમારો ટ્રેન મારફતે તેમના વતન પહોંચશે. તાજેતરમાં જ સૌરાષ્ટ્રમાં માછીમાર પરિવારોએ પાકિસ્તાનની જેલમાં બંધ પોતાના સ્વજનોની મુક્તિ માટે તંત્રને રજૂઆત કરી હતી. દરમિયાન 20 માછીમારોની મુક્તિની જાણ થતા માછીમાર પરિવારોમાં ખુશી ફેલાઈ છે. તેમજ હજુ પણ પાકિસ્તાનની વિવિધ જેલમાં બંધ અન્ય ભારતીય માછીમારોને મુક્તિ કરાવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલું છે. ભારતીય જળ સીમામાં પ્રવેશનીને પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સીના જવાનો અવાર-નવાર માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. તાજેતરમાં જ પાકિસ્તાન દ્વારા માછીમારો ઉપર કરાયેલા ગોળીબારમાં એકનું મોત થયું હતું. જ્યારે એક માછીમાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે પાકિસ્તાન મરીન્સે પોરબંદરની એક બોટ અને કેટલાક માછીમારોનું અપહરણ પણ કરી લીધું હતું. પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોને અવાર-નવાર મુક્ત કરવામાં આવે છે. પરંતુ તેમની બોટ મુક્ત નહીં કરવામાં આવતી હોવાથી માછીમારોની મુશ્કેલીમાં વધારો થાય છે. જેથી ભારત સરકાર દ્વારા માછીમારોની બોટ મુક્ત થાય તેવી કામગીરી કરવા માટે પણ અગાઉ માછીમારોએ રજૂઆત કરી હતી.