Site icon Revoi.in

અમદાવાદના SP રિંગરોડ પર બોપલથી 20 કિ.મી ટ્રાફિક જામ, વાહનચાલકોને 3 કલાક પ્રતિક્ષા કરવી પડી

Social Share

અમદાવાદઃ શહેરમાં વધતી જતી વાહનોની સંખ્યાને લીધે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે.  શહેરના એસજી હાઈવે અને એસપી રીંગ રોડ પર અવાર-નવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે. ત્યારે શુક્રવારે સમીસાંજે એસપી રિંગરોડ ઉપર આવેલા બોપલથી ગાંધીનગર જવાના રસ્તામાં ટ્રાફિકજામ સર્જાયો હતો. અને વાહનચાલકોને ત્રણ કલાક ટ્રાફિક ક્લીયર થાય તેની પ્રતિક્ષા કરવી પડી હતી. બીજી તરફ સર્વિસ રોડ ઉપર પણ મોટી સંખ્યામાં વાહનો ફસાયા હતા.

અમદાવાદના સરદાર પટેલ (SP)  રિંગરોડ પર શુક્રવારે સમી સાંજે બોપલથી લઇ ગાંધીનગર સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ત્રણ કલાક વાહનચાલકો એસપી રિંગરોડ ઉપર ફસાયા હતા. એસપી રિંગરોડ પર વાહનોની લાંબી લાઇનો લાગી હતી. જેના કારણે લોકો સમયસર ઘરે હજી સુધી પહોંચી શક્યા નહતા. કેટલાક વાહનચાલકો ઉતાવળથી જવા માટે પોતાના વાહનને સર્વિસ રોડ ઉપર લઇ પણ ગયા હતા. જોકે, ત્યાં પણ વાહનોના થપ્પા લાગી જતા સર્વિસ રોડ પર પણ ટ્રાફિકજામ સર્જાયો હતો.  હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે અને એસપી રિંગરોડ ઉપર મોટા પાર્ટી પ્લોટ આવેલા છે. તેમજ રિંગરોડ હોવાના કારણે ભારે વાહનો પણ અહીંયાથી વધારે પસાર થતાં હોય છે. આ ટ્રાફિકજામને કારણે રસ્તા ઉપર વાહનોની લાઇનો લાગી હતી.  સાંજના 6.30 વાગ્યાથી પીકઅવર્સ દરમિયાન બોપલથી પૂર્વ વિસ્તારમાં અને ગાંધીનગર જવા માટે વાહનચાલકો રિંગરોડનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે. જોકે, શુક્રવારે સાજે રિંગરોડ ઉપરથી પસાર થનારા લોકો ટ્રાફિકજામમાં ફસાયા હતા.

ટ્રાફિક પોલીસના કહેવા મુજબ શહેરના ઓગણજ સર્કલથી લઈને ઓગણજ ટોલટેક્સ સુધીમાં પાંચથી સાત જેટલા પાર્ટી પ્લોટ આવેલા છે અને ત્યાં ફંકશન હોવાના કારણે ટ્રાફિકજામ થયો હતો. સાંજે પીક અવર્સ ઉપરાંત ભારે વાહનોની અવરજવર અને પાર્ટી પ્લોટોમાં ફંક્શનના કારણે એક સાથે વાહનો વધી જતા આ ટ્રાફિકજામ થયો હતો. જોકે, હાલમાં ટ્રાફિક દૂર થઈ ગયો છે.