અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ કોમર્સ સહિત વિવિધ વિદ્યાશાખાઓમાં ઓનલાઈન પ્રવેશની કાર્યવાહી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં પ્રથમ વર્ષ બીકોમની કુલ 36 હજારમાંથી 15822 બેઠકો ભરાઈ છે, જ્યારે 20 હજાર બેઠકો ખાલી રહી છે. જોકે કોલેજ કક્ષાના ઇન્ટર મેરિટ રાઉન્ડમાં વધુ 10 હજાર બેઠક ભરાશે તેમ પ્રવેશ કમિટીનો દાવો છે. ઘણાબધા વિદ્યાર્થીઓએ પસંદગીની કોલેજ કે પસંદગીનો વિષય ન મળવાથી પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિયુક્ત પ્રવેશ કમિટીએ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે બીકોમ-બીબીએ, બીસીએ, એમબીએ, એમએસસી, આઈટી સહિતની કુલ 137 કોલેજની 36 હજાર બેઠક પરની પ્રવેશ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રવેશ ઇચ્છુક 42 હજાર વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાં ત્રણ રાઉન્ડના અંતે કુલ 30 હજાર વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ કરીને સીટ એલોટમેન્ટ કરાયું હતું, પ્રથમ વર્ષ બીકોમમાં માત્ર 15822 વિદ્યાર્થીએ ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. જેમાં ત્રણ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં ખાલી પડેલી 20,787 બેઠકો માટે 8 ઓગસ્ટ સુધી કોલેજ કક્ષાનો ઇન્ટર સે મેરિટ રાઉન્ડ જાહેર કરાયો છે. એટલે વધુ 10 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે.
પ્રવેશ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ ટકાવારી અને કોલેજમાં પ્રવેશ માટેના કટઓફ માર્ક્સને ધ્યાનમાં લીધા વિના કોલેજની ચોઇસ ફિલિંગ કરી છે, જેના કારણે તેને પસંદગીની કોલેજ કે વિષય મળ્યો નથી, આવા વિદ્યાર્થીઓએ અન્ય કોલેજમાં સીટ એલોટમેન્ટ થવા છતાં ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો નથી. ઉપરાંત ગુજરાતી માધ્યમની કોલેજ કે જે કોલેજોમાં એકાઉન્ટન્ટ સિવાયના અન્ય વિષયો ઓફર કરાતા ત્રણ રાઉન્ડના અંતે 20 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે. કોલેજ કક્ષાના ઇન્ટર સે મેરિટ રાઉન્ડમાં વધુ 10 હજાર બેઠક ભરાશે. એવી શક્યતા છે.
પ્રવેશ સમિતિના સૂત્રોએ ઉમેર્યુ હતુ. કે, જે વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ નથી કરાવ્યો એવા વિદ્યાર્થીઓ તા, 8 ઓગસ્ટ સુધી ડોક્યુમેન્ટ્સ જમા કરાવી શકાશે. જે તે કોલેજમાં રજિસ્ટ્રેશન ફોર્મ તથા જરૂરી ડોક્યુમેન્ટ્સ 8 ઓગસ્ટ સુધીમાં જમા કરાવવાના રહેશે. ફાઇનલ મેરિટ કોલેજના નોટિસ બોર્ડ પર 4 ઓગસ્ટે મુકાશે. ફીની ચુકવણી અને ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાની પ્રક્રિયા 4 ઓગસ્ટથી 8 ઓગસ્ટ સુધી ચાલશે.