નવી દિલ્હીઃ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ અને તેમના નજીકના સહયોગીઓના ઘરો પર આવકવેરા વિભાગના દરોડામાં 200 કરોડ રૂપિયાની રોકડ મળી હતી. દરોડા દરમિયાન 9 તિજોરીઓ નોટોથી ભરેલી મળી આવી હતી અને નોટો ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, 200 કરોડ રૂપિયાની ગણતરી થઈ ગઈ છે અને નોટોની ગણતરી હજુ ચાલુ છે. રકમના આંકડામાં હજુ વધારો થવાની શકયતા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ધીરજ સાહુ એક મોટા ઉદ્યોગપતિ છે અને તે દારૂ બનાવતી કંપની બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપનીઝ સાથે સંકળાયેલા છે. આવકવેરા વિભાગે ઝારખંડ, ઓડિશા અને બંગાળમાં જૂથના 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે બલદેવ સાહુ કંપનીની બોલાંગીર ઓફિસથી 30 કિમી દૂર સાતપુરા ઓફિસ પર દરોડા પાડીને 200 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે. રિપોર્ટ્સ અનુસાર ઓફિસના નવ શેલ્ફમાં નોટોના બંડલ રાખવામાં આવ્યા હતા. 500, 200 અને 100 રૂપિયાની નોટો બંડલમાં રાખવામાં આવી હતી. આટલી મોટી રોકડ મળી આવ્યા બાદ આવકવેરા વિભાગની ટીમે મશીનની મદદથી નોટો ગણીને 157 બેગમાં ભરી હતી.બેગ ઓછી પડી જતાં નોટો બેગમાં ભરીને ટ્રકમાં મૂકીને બેંકમાં લઈ જવામાં આવી હતી.
બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપનીઝ પશ્ચિમ ઓડિશાની સૌથી મોટી દેશી દારૂ ઉત્પાદક અને વેચનાર કંપનીઓમાંથી એક છે. આ કંપનીમાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ ઉપરાંત તેમના પરિવારના સભ્યો રાજકિશોર સાહુ, સ્વરાજ સાહુ અને પરિવારના અન્ય સભ્યો સામેલ છે. ઓડિશાનો બિઝનેસ તેમના ભાઈઓ સંજય સાહુ અને દીપક સાહુ સંભાળે છે. બૌધ ડિસ્ટિલરી પ્રાઈવેટ લિમિટેડ (BDPL) સિવાય ધીરજ સાહુના પરિવારની માલિકીના આ જૂથમાં બલદેવ સાહુ ઈન્ફ્રા લિમિટેડ, ક્વોલિટી બૉટલર્સ અને કિશોર પ્રસાદ-વિજય પ્રસાદ બેવરેજ લિમિટેડનો સમાવેશ થાય છે. આવકવેરા વિભાગે આ તમામ કંપનીઓના સ્થળો પર દરોડા પાડ્યા છે. બલદેવ સાહુ ઇન્ફ્રા લિમિટેડ ફ્લાય એશ બ્રિક્સ બનાવે છે અને બાકીની ત્રણ કંપનીઓ દારૂના ધંધામાં સંકળાયેલી છે.
આવકવેરા વિભાગની 40 સભ્યોની ટીમે બુધવારે સવારે 6.30 વાગ્યાથી બૌધ, બોલાંગીર, રાયગડા અને ઓડિશાના સંબલપુર, ઝારખંડના રાંચી-લોહરદગા અને કોલકાતામાં એક સાથે દરોડા પાડ્યા હતા. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આવકવેરા વિભાગે કંપનીના ઘણા ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. આવકવેરા વિભાગના અધિકારીઓ આવકના સ્ત્રોત અને આટલી મોટી રકમ જમા કરાવવા અંગે કંપની સંચાલકોની પૂછપરછ કરી શકે છે. આ મામલામાં ED પણ સામેલ હોઈ શકે છે.