ભાવનગર: ગોહિલવાડ પંથકમાં અનેક લીંબુવાડીઓ આવેલી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી લીંબુનું ઉત્પાદન ઘટી રહ્યું છે. પ્રતિકૂળ વાતાવરણ અને સિંચાઈની પુરતી સુવિધા ન હોવાને કારણે લીંબુના ઉત્પાદનને ફટકો પડ્યો છે. દરમિયાન ભાવગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટ યાર્ડમાં લીબુની આવક ઘટતા અને બીજીબાજુ માગમાં વધારો થતાં લીંબુના ભાવ કિલોના 200એ પહોંચ્યા છે. અને આગામી દિવસોમાં ગરમી પડશે તેમ લીંબુના ભાવમાં વધારો થશે.
ભાવનગર જિલ્લામાં બાગાયત ખેત જણસો પૈકી લીંબુની ફસલનું મબલખ ઉત્પાદન થતુ હતું. પરંતુ વાતાવરણની વિષમતા અને ઘટતી જતી ખેતીને પગલે લીંબુની ખેતીનું અસ્તિત્વ જોખમાયુ છે હાલમાં ઘટતી આવક અને વધતી માંગને પગલે લીંબુના ભાવો આસમાને આંબી રહ્યા છે. કોરોના મહામારીના કાળ પછી ખાટા ફળો સાથે રોજબરોજના ઉપયોગમાં લેવાતા લીંબુની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે અને ખાસ કરીને ઉનાળામાં લીંબુની માગમાં વધારો થતો હોય છે. જિલ્લામાં એક સમયે બાગાયત ખેતી પૈકી લીંબુની ખેતી પણ ખાસ્સી વખણાતી હતી અને બારેમાસ લીંબુનો મોટો જથ્થો રાજ્યના અન્ય મહાનગરો સાથોસાથ પડોશી રાજ્યમાં પણ નિકાસ કરવામાં આવતો હતો. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભાવનગર જિલ્લામાં પિયતનો અભાવ અને વિષમ વાતાવરણને પગલે લીંબુની ખેતીમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉપરાંત બાગાયત ખેતીમાં લીંબુની ખેતીને જરૂરી પ્રમાણમાં પ્રોત્સાહન ન મળતું હોવાની ફરિયાદ પણ ખેડૂતો કરી રહ્યાં છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેત ઉત્પન્ન બજારના એક લીંબુના અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં સામાન્ય દિવસોમાં દરરોજ સાતથી આઠ ટ્રક લીંબુનો જથ્થો વેચાણ માટે જિલ્લાભરમાંથી આવે છે. પરંતુ ઉનાળામાં આવકમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. હાલમાં ત્રણથી પાંચ ટ્રક ભરીને લીંબુનો જથ્થો વેચાણ માટે ઠલવાય છે. જેમાં સારી ક્વોલિટીનાં લીંબુ બારોબાર અન્ય શહેરોમાં જ વેચી દેવામાં આવે છે. આથી લીંબુની અછત સર્જાય છે. જેને પગલે ભાવમાં વધારો થયો છે. સામાન્ય દિવસોમાં રૂપિયા 30થી 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાણ થતાં લીંબુનો ભાવ હાલ 200થી 235 રૂપિયાને પાર પહોંચ્યો છે. આ ભાવ વધારાને પગલે ખેડૂતોને સારો એવો આર્થિક ફાયદો થઈ રહ્યો છે.