પાલનપુરઃ બનાસકાંઠાના થરાદ વિસ્તારમાં આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં હાલ મરામતનું કામ ચાલી રહ્યું છે.એટલે કેનાલમાં નર્મદા નીર ઠાલવવાનું બંધ કરાયું છે. ત્યારે થરાદ શહેરને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે કેનાલમાં પાણી ભરી દેવામાં આવ્યું છે. અને એમાંથી પાણી ખેચીને થરાદને પુરૂ પાડવામાં આવી રહ્યું છે. બીજી બાજુ કેનાલ પાણીથી ભરેલી હોવાથી કેટલાક ખેડુતો પોતાના પાકને બચાવવા માટે કેનાલમાંથી પાણીની ચોરી કરતા હોવાની દહેશતને પગલે કેનાલ પર 200 જેટલાં એસઆરપી જવાનોનો બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
થરાદ વિસ્તારની નર્મદાની મુખ્ય કેનાલમાં પાણી ઠાલવવાનું બંધ કરાતા સંભવિત ઊભી થનારી પીવાના પાણીની સમસ્યા અંગે જાણકારી મેળવવા સોમવારે રાજ્યના પાણીપુરવઠા અને સરદાર સરોવર (નર્મદા) વિભાગના ચેરમેન સહિત અધિકારીઓ રૂબરૂ મુલાકાતે આવ્યા હતા. તેમણે ખેડૂતો સિંચાઇ માટે પાણીની ચોરી ન કરે તે માટે એસઆરપી અને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની સુચના આપી હતી. થરાદ પંથકમાંથી પસાર થતી નર્મદા નહેરમાંથી લીકેજ થતા પાણીની સમસ્યાથી છુટકારો મળે અને નર્મદાના પાણીનો વેડફાટ ન થાય તે માટે કેનાલ રીપેરીંગ તેમજ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવતાં કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું છે. આ કેનાલના પાણીનો થરાદ શહેર અને તાલુકાનાં ગામોને પીવા માટે પાણી આપવામાં આવે છે.પરંતુ ખરા ઉનાળે કેનાલ બંધ રહેવાના કારણે પ્રજાજનોને પીવાના પાણીનું જળસંકટ સર્જાવાની દહેશત વચ્ચે સ્થાનિક અને જિલ્લાના પ્રશાસન દ્વારા સૌ પ્રથમ કેનાલમાં સ્ટોક કરીને રાખવામાં આવેલા પાણીનો ઉપયોગ ખેડુતો સિંચાઇ માટે ન કરે તે બાબતે સક્રિય બન્યા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગાંધીનગરથી પાણીપુરવઠા બોર્ડના ચેરમેન ધનંજય દ્વિવેદીએ નર્મદા વિભાગના ડાયરેક્ટર ડીએસ કાપડીયા સાથે રાખીને સોમવારે થરાદની મુલાકાત લીધી હતી અને. કેનાલ અને પાણીપુરવઠાના અધિકારી કર્મચારીઓ સાથે કેનાલ પર જઇને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કેનાલ મરામતના જલદીથી કામગીરી પુરી થાય એ પ્રકારે સુચના પણ આપી હતી. તેમજ ખેડુતો સિંચાઇ માટે પાણી ખેંચી ન જાય તે માટેની તકેદારીના ભાગરૂપે 200 જેટલા એસઆરપી કર્મચારીઓની ટીમ પણ પેટ્રોલિંગ માટે ગોઠવવાની પણ તાકીદ કરી હતી.