Site icon Revoi.in

રાજકોટની મેડિકલ કોલેજમાં મહિલા પ્રોફેસરની મશ્કરી કરતાં 200 વિદ્યાર્થીઓ પખવાડિયા માટે સસ્પેન્ડ

Social Share

રાજકોટઃ શહેરની પીડીયુ મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓને ગેરશિસ્ત અને લેક્ચરમાં મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કોમ્પ્યુનિટી મેડિસિન વિષયના લેક્ચરમાં 15 દિવસ સુધી નહીં બેસવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PSM વિભાગના લેક્ચરમાં વિદ્યાર્થીઓએ શિસ્તભંગ કરી હોવાને કારણે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરતાં મેડિકલ કોલેજના ડીને તમામ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો પરિપત્ર જાહેર કરતા વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો

રાજકોટની પંડિત દિન દયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓ પર લેક્ચરમાં બેજવાબદારીભર્યું વર્તન તેમજ ક્લાસરુમમાં અધ્યાપકોને હેરાન કરવા અને ક્લાસરુમમાં મસ્તી કરવી અને કોમેન્ટ પાસ કરવા જેવી અનેક ફરિયાદો થતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓેને પહેલા અનેક વખત સમજાવવામાં આવ્યા હતા. જો કે તેના વર્તનમાં સુધારો ન થતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જો કે આ વિદ્યાર્થીઓને ફ્કત એક જ વિષયમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  200 જેટલા વિદ્યાર્થીઓને 15 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય ગેરશિસ્ત બદલ લેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસની સાથે હોસ્ટેલમાં પણ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. આ પ્રકારનું વર્તન વિદ્યાર્થીઓ દ્વારા ફરીવાર કરવામાં આવશે તો તેમની સામે કડક પગલાં લેવામાં આવશે, એવી મેડિકલ કોલેજના ડીન દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

આ મામલે મેડિકલ કોલેજના ડીન દ્વારા એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ગેરશિસ્ત બદલ વિદ્યાર્થીઓને દિન-15 31/07/2023થી 14/08/2023 સુધી પી.એસ.એમ વિભાગના તમામ શૈક્ષણિક કાર્યમાંથી સસ્પેન્ડ કરવામાં આવે છે. આ ઉપરાંત પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યુ હતું કે સંસ્થા દ્વારા MBBSના ત્રીજા વર્ષ પાર્ટ-1માં પીએસએમ વિષયના મહિલા  લેક્ચર સાથે વિદ્યાર્થીઓએ બજવાબદારીભર્યું વર્તન કર્યું હતું અને માનભંગ થાય તેવા શબ્દોનું ઉચ્ચારણ કરતા લેકચરમાં ખલેલ પહોંચાડવામાં આવી હતી. આ કારણે વિદ્યાર્થીઓ પર એક્શન લેવામાં આવી છે.