સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં એકાએક વધારો થયો છે. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન તો કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ત્યારે કચ્છના નાના રણમાં મીઠું પકવતા અગરિયાની કફોડી હાલત બની છે. ખારાઘોડાના અફાટ રણમાં અગરિયાઓ પોતાના પરિવાર સાથે વસવાટ કરીને કાળી મજુરી કરે છે. નાના રણમાં ઠંડીનો પારો ગગડીને 10 ડીગ્રીની અંદર પહોંચતા રણમાં અગરિયાઓ કાતિલ ઠંડીમાં ઠુઠવાયા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ખરાઘોડના રણકાંઠા વિસ્તારમાં અંદાજે 2000 અગરિયા પરીવારો દર વર્ષે ઓક્ટોબરથી મે માસ દરમિયાન વર્ષનાં આઠ મહિના ગાત્રો થીજાવતી કડકડતી ઠંડી અને ધોમધખતા તાપમાં મીઠું પકવવાનું કપરૂ કામ કરીને પરિવારનું ભરણ પોષણ કરે છે. ત્યારે કડકડતી ઠંડીમાં અગરિયાઓની હાલત દયનિય બનતી હોય છે. સોમવારે રણમાં ઠંડીનો પારો ગગડીને 10 ડીગ્રીની અંદર પહોંચતા રણમાં મીઠું પકવવાનું કામ કરતા અગરિયાઓ ઠુઠવાયા હતા. રણમાં રાત-દિવસ 24 કલાક પાણીમાં રહીને મીઠું પકવવાનું કામ કરતા અગરીયાઓની હાલત કાતિલ ઠંડીમાં અત્યંત દયનીય બની છે. જેમાં રણમાં પડતી કડકડતી ઠંડીમાં સૌથી કફોડી હાલત વૃધ્ધ અગરિયાઓ, મહિલાઓ અને ભુલકાઓની થઈ હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રણમાં અગરિયાઓ માટે દિવસ તો ગમે તેમ કરીને પસાર થઇ જાય છે. પરંતુ કડકડતી ઠંડી અને સુસવાટા મારતા પવનમાં એમના માટે કંતાનના ઝુપડામાં રણમાં રાત પસાર કરવી અસહ્ય બની જાય છે. રણમાં કોઇપણ જાતની સુવિધા વગર કંતાનના ઝુપડામાં રહેતા અગરીયા પરિવારો માટે હજી જો ઠંડીનો ચમકારો વધશે તો એમના માટે રણમાં રહી મીઠું પકવવાનું કામ આકરૂ થતું જશે.