રાજકોટઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. પનીર, ઘી, મીઠાઈઓમાં ભેળસેળ પકડાઈ હતી. તાજેતરમાં પાલનપુર અને ડીસામાં ગાયના ઘીના નામે નકલી ઘી બનાવતી ફેકટરી પકડવામાં આવી હતી, રાજ્યના તમામ શહેરોમાં ભેળસેળયુક્ત અખાદ્ય વસ્તુઓ સામે ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દરોડો પાડીને 2000 કિલો મુખવાસનો ભેળસેળવાળો જથ્થો પકડી પાડ્યો હતો.
આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા મ્યુનિ.ના ફૂડ અને આરોગ્ય વિભાગ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સોમવારે સાંજે શહેરનાં પરાબજાર વિસ્તારમાં આવેલી મુખવાસની બે દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખવાસમાં કલરની ભેળસેળ હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે અંદાજે 2000 કિલો કરતા વધુ અખાદ્ય મુખવાસ સીઝ આવ્યો હતો અને મ્યુનિ.ની ટીમો દ્વારા સ્થળ પર આ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
રાજકોટ મ્યુનિ.ના નાયબ આરોગ્ય અધિકારી ડો. હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે, દિવાળીના તહેવારમાં મોટી સંખ્યામાં લોકો મુખવાસની ખરીદી કરતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને શહેરનાં પરાબજાર સહિતના વિસ્તારમાં મુખવાસની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુખવાસમાં એક-એક કિલો મુખવાસના પેકિંગ કરેલા જોવા મળ્યા હતા. આ પેકિંગ ઉપર મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ સહિતની કોઈ વિગતો જોવા મળી નહોતી. એટલું જ નહીં આ મુખવાસ પાણીમાં નાખીને ચેક કરતા કલરની ભેળસેળ હોવાનું પણ સ્પષ્ટ જોવા મળ્યું હતું. આવો અંદાજે 1040 કિલો જથ્થો મળી આવ્યો હતો.
આ ઉપરાંત અન્ય એક મુખવાસની દુકાનમાં દરોડા પાડવામાં આવતા ત્યાંથી પણ કલર સહિતની ભેળસેળયુક્ત 1025 કિલો જથ્થો મળી આવ્યો હતો. જેને પગલે બંને દુકાનોમાંથી મળીને કુલ 2065 કિલો કરતાં વધુ મુખવાસનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો અને ટીપરવાન મારફત આ તમામ જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો હતો. સાથે મુખવાસનાં સેમ્પલોને પણ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ સાબિત થશે તો કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.