ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજ્યંતિ ઊજવાશે, રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે
રાજકોટઃ મોરબીના ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતી આગામી તા.10થી 12મી ફેબ્રુઆરી દરમિયાન ઊજવાશે. આ ત્રિદિવસીય મહોત્સવમાં આર્ય સમાજના 2 લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેવાના છે. ઉપરાતં મહાનુભાવોમાં દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, બાબા રામદેવ ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે જ્યારે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેશે.
મોરબીના ટંકારામાં મહર્ષી દયાનંદ સરસ્વતીની 200મી જન્મજ્યંતી અંગે યોજાનારા કાર્યક્રમ અંગે માહિતી આપતા વિનય આર્યએ જણાવ્યું હતું કે, તા.11 ફેબ્રુઆરીના બપોરે 3 વાગ્યે બાબા રામદેવ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તે જ દિવસે સાંજે 6થી 8 વાગ્યા દરમિયાન જલંધરની ડી. એ. વી. યુનિવર્સિટી અને આર્ય સમાજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામા આવશે. આ સાથે જ ભજન સંઘ્યા અને કાવ્ય સંમેલનના માધ્યમથી મહર્ષિ દયાનંદ સરસ્વતીને યાદ કરવામાં આવશે. બીજા દિવસે તા. 12 ફેબ્રુઆરીના રોજ બપોરે 12 વાગ્યે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ટંકારામાં આવશે અને કાર્યક્રમમાં 2 કલાક સુધી રોકાશે. તેમની સાથે જ ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી પણ ઉપસ્થિત રહેશે. આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે આર્ય સમાજના દેશ-વિદેશમાં રહેતા લોકો કાર્યક્રમ સ્થળે પધારશે.
મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજ્યંતીના ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમો દરમિયાન મહર્ષીના કાર્યોનું સ્મરણ કરવામા આવશે. જેથી, દેશનું ભાવિ ગણાતા યુવાનો મહર્ષિ દયાનંદના ઉચ્ચ વિચારોનું અનુસરણ કરી શકે. આ ઉપરાંત આર્ય સમાજ આગામી સમયમાં શું કાર્યો કરવા જઈ રહ્યું છે? તેની માહિતી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત દેશમાં હાલની પરિસ્થિતિમાં આર્ય સમાજે કઇ રીતે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ? તે અંગે ચર્ચા-વિમર્શ કરવામાં આવશે
રાજકોટ કલેકટર પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે, ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની જયંતીના કાર્યક્રમને લઈને રાષ્ટ્રપતિજી રાજકોટનાં હિરાસર એરપોર્ટ પર 12મીએ સવારે પહોંચશે. જેને લઇને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તમામ તૈયારીઓ કરવામા આવી છે. આ ઉપરાંત સર્કિટ હાઉસ પણ રિઝર્વ રાખવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિના આગમનને લઈને તૈયારીઓ ચાલી રહી છે.