અમદાવાદઃ શહેરને સ્વચ્છ રાખવા માટે મ્યુનિ.કમિશનર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં જાહેર રોડ-રસ્તાઓ પર સાફ સફાઈનું ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સાથે, જાહેર રોડ પર થુંકતા કે પાન-મસાલાની પિચકારી મારનારા સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સોમવારે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 198 જેટલા લોકોને જાહેરમાં થુંકતા ઝડપી તેમને રૂ. 50થી લઈ 500 સુધીનો દંડ ફટકાર્યો હતો. એક દિવસમાં કુલ રૂ. 20150નો દંડ વસુલવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરમાં રોડ ઉપર ચાલતા જતા અથવા તો વિહિકલ ઉપર જતા લોકો થુંકીને કે પાન-મસાલાની પિચકારી મારી ગંદકી ફેલાવતા હોય છે. જેના કારણે શહેરમાં સ્વચ્છતા જળવાતી નથી. જેથી મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારેસને અધિકારીઓને સૂચના આપી હતી કે જાહેરમાં થૂંકીને ગંદકી ફેલાવતા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે. જેના પગલે સોમવારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 198 જેટલા લોકોને જાહેરમાં થુંકતા ઝડપી તેમને રૂ. 50થી લઈ 500 સુધીનો દંડ ફટકાર્યો હતો. એક દિવસમાં કુલ રૂ. 20150નો દંડ વસુલવામાં આવ્યો છે.
મ્યુનિના સોલીડ વેસ્ટ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરના સીટીએમ, સોનીની ચાલી, પાલડી, અંજલી ચાર રસ્તા આશ્રમરોડ, નરોડા, મેમકો, ચેનપુર, અખબારનગર, બાપુનગર જમાલપુર, ઠક્કરબાપાનગર, નારોલ સહિતના વિસ્તારોમાં જાહેરમાં રોડ ઉપર પાનના ગલ્લા નજીક ઊભા રહી થુંક્તા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સૌથી વધારે ઉત્તર ઝોનમાં 48 જેટલા લોકોને થુંક્તા ઝડપી પાડવામાં આવ્યા હતા. સામવારે દિવસ દરમિયાન લોકો સામે કાર્યવાહી કરી તેમની પાસેથી કુલ રૂપિયા 5400નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશને સઘન બનાવવામાં આવશે.