2018 બદનક્ષી કેસ: રાહુલ ગાંધીએ સુલ્તાનપુર કોર્ટમાં સરન્ડર કર્યું, કસ્ટડીમાં લેવાયા બાદ મળ્યા જામીન
સુલ્તાનપુર : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે સુલ્તાનપુર કોર્ટમાં રજૂ થઈને સરન્ડર કર્યું હતું. 2018ના માનહાનિ કેસમાં આ સુનાવણી થઈ, જ્યારે રાહુલ ગાંધીએ ગૃહ મંત્રી અમિત શાહ સંદર્ભે અભદ્ર ટીપ્પણી કરી હતી. કોંગ્રેસ માટે રાહત ભરેલા સમાચાર એ છે કે રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે.
એડવોકેટ સંતોષ પાંડેએ કહ્યુ છે કે રાહુલ ગાંધીએ આજે કોર્ટમાં સરન્ડર કર્યું. કોર્ટે તેમને 30થી 45 મિનિટ માટે અટકમાં લીધા. બાદમાં તેમના જામીન રજૂ કરવામાં આવ્યા અને કોર્ટ દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો. આગળની તારીખ હજી આપવામાં આવી નથી. તેમના વકીલે કહ્યુ છે કે તેઓ નિર્દોષ છે અને તેમણે કોઈ બદનક્ષીકારક નિવેદન આપ્યું નથી.
ભાજપના નેતા વિજય મિશ્રાની ફરિયાદ પર આ કેસ ચાલ્યો છે. સુનાવણી પહેલા વિજય મિશ્રા તરફથી રજૂ થયેલા વકીલ સંતોષ પાંડેએ કહ્યુ હતું કે જો કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ પુરતા પુરાવા મળે છે, તો તેમને મહત્તમ બે વર્ષની સજા મળી શકે છે. રાહુલ ગાંધીએ 2018ની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત શાહ પર વિવાદીત ટીપ્પણી કરી હતી.