Site icon Revoi.in

2024ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના તમામ પક્ષોનો ત્રીજો નહીં પરંતુ મુખ્ય મોરચો હશેઃ નીતિશ કુમાર

Social Share

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિપક્ષના વિવિધ નેતાઓ તમામ વિપક્ષી પાર્ટીઓને એક સાથે લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે. તેમાં બિહારના સીએમ નીતિશ કુમારનો પણ સમાવેશ થાય છે. તમામ રાજકીય પક્ષનો મોરચો ત્રીજો મોરચો નહીં પરંતુ મુખ્ય મોરચો હોવાનો દાવો નિતિશ કુમારે કહ્યો હતો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર 2024ની સામાન્ય ચૂંટણી પહેલા વિપક્ષને એક કરવાના મિશનના ભાગરૂપે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારને મળ્યા હતા. ગયા મહિને ભાજપ સાથે સંબંધો તોડ્યા પછી, જનતા દળ યુનાઇટેડના વડા નીતિશ કુમાર સોમવારથી દિલ્હીની ચાર દિવસની મુલાકાતે છે અને ઘણા વિપક્ષી નેતાઓને મળ્યા છે.

નીતિશ કુમાર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, જેડીના એચડી કુમારસ્વામી, સીપીઆઈ(એમ)ના મહાસચિવ સીતારામ યેચુરી, સીપીઆઈના ડી રાજા, ઈન્ડિયન નેશનલ લોકદળના ઓમપ્રકાશ ચૌટાલા અને સપા પ્રમુખ અખિલેશ યાદવને પણ મળ્યા હતા. વિપક્ષના નેતાઓ ઉપરાંત બિહારના મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળ્યા હતા.

મીટિંગ બાદ નીતિશ કુમારે કહ્યું કે, હું નેતા નહીં બનાવીશ. હું માત્ર વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરીશ. ભાજપ દેશ ઉપર કબજો કરવાનો પ્રયાસ કરી રહી છે. જો બધા એક થઈને ચૂંટણી લડે તો ચિત્ર અલગ હશે. અમે તમામ લોકો સાથે વાત કરી રહ્યા છીએ. “તે મુખ્ય મોરચો હશે, ત્રીજો મોરચો નહીં.”

વિપક્ષના નેતાઓ સાથેની તેમની વાતચીતને સકારાત્મક ગણાવતા તેમણે કહ્યું કે સામાન્ય ચૂંટણી 2024 ખૂબ સારી રહેશે, જ્યારે અત્યાર સુધી તે એકતરફી હરીફાઈ રહી છે. બિહારના સીએમએ કહ્યું, “પવાર અને હું બંને વિપક્ષી દળોને એક કરવા માંગીએ છીએ જે ભાજપ સાથે નથી. ગઠબંધનના નેતા પછીથી નક્કી થઈ શકે છે. પહેલા સાથે આવવું જરૂરી છે.”

બિહારના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા ફરી એકવાર દિલ્હી આવશે, જેઓ અંગત કારણોસર વિદેશ પ્રવાસે છે. નીતીશ સવારે સીપીઆઈ (એમએલ)ના નેતા દીપાંકર ભટ્ટાચાર્યને પણ મળ્યા, જેઓ તેમના સૌથી જૂના સહયોગી હતા.