Site icon Revoi.in

ગુજરાતમાં 207 જળાશયો 71.68 ટકા ભરાયા, સરદાર સરોવર નર્મદા ડેમમાં 74.22 ટકા જળસંગ્રહ

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે તમામ જળાશયોમાં પાણીની આવક સારી એવી થઈ છે. રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.65 ટકા નોંધાયો છે. રાજ્યના 91 જળાશયોમાં 90 ટકાથી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 26 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 15 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 79.65  ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 135,78 ટકા, સૌરાષ્ટ્રમાં 109.40 ટકા ઉત્તર ગુજરાતમાં 66.78 ટકા, દક્ષિણ ગુજરાતમાં  70.08  ટકા, મધ્ય ગુજરાતમાં 63.39 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.

રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં  71,58 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,49,417 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના 74.22  ટકા જેટલો જળસંગ્રહ થયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 70.87 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 47.45 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 71.95 ટકા, કચ્છ ઝોનના 20 જળાશયોમાં 66.48  ટકા તથા સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.59  ટકા જળસંગ્રહ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે 100 ટકાથી વધુ જળસંગ્રહ થયેલા 65 જળાશયો તથા 90 ટકાથી 100 ટકા જળસંગ્રહ થયેલા 26 જળાશયો મળી કુલ 91 જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે 80 ટકાથી 90 ટકા જળસંગ્રહ ધરાવતા 26 જળાશયો એલર્ટ પર અને 70 ટકાથી 80 ટકા જળસંગ્રહ ધરાવતા 15 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.