અમદાવાદઃ શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા સોમવિલા બંગલોઝ ખાતેના એક બંગલામાં પોલીસે રેડ પાડીને ક્રિકેટ સટ્ટાનું મોટું રેકેટ પકડી પાડ્યુ હતુ. સીઆઈડી ક્રાઈમે શ્રીલંકા પ્રીમિયર લીગની ટી-20 મેચ ઉપર સટ્ટો રમાડી રહેલા બુકીની ધરપકડ કરી હતી. બુકી પાસેના 19 મોબાઈલમાંથી 6 એપ્લિકેશન મળી આવી હતી. જેમાંથી રૂ.21.30 કરોડના સટ્ટાના હિસાબ પકડાયા હતા. આ બુકીના મોબાઈલ ફોનમાંથી જયપુર, જોધપુર અને સુરતના અન્ય 8 બુકીના નામ ખૂલતાં તપાસ શરૂ કરાઈ છે. આ ઉપરાંત દોઢ કરોડની કિંમતની એક વૈભવી કાર, મોબાઈલ-લેપટોપ સહિત 1.51 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના થલતેજ વિસ્તારમાં સોમવિલા બંગલોઝ ખાતેના એક બંગલામાં રહેતા પ્રવીણ જૈન હાલમાં શ્રીલંકા ખાતે રમાઈ રહેલી કોલંબો સ્ટ્રાઈકેર અને જાફના કિંગ્સની ટી-20 મેચ ઉપર સટ્ટો રમાડી રહ્યો હોવાની બાતમી સીઆઈડી ક્રાઈમની ટીમને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાંથી પ્રવીણ જૈન મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા પ્રવીણ જમીન લે-વેચનો ધંધો કરતો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે તેમના બંગલાના ટેબલ પરથી તેમજ પ્રવીણ જૈન પાસેથી કુલ 19 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પોલીસે તે તમામ ફોનની તપાસ કરતા તેમાંથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમવા માટેની કુલ 6 એપ્લિકેશન મળી આવી હતી. જેમાંથી રૂ.21.30 કરોડના હિસાબ મળી આવ્યા હતા. જ્યારે પોલીસે તપાસ કરતા ફોનમાંથી જુદા જુદા 8 બુકીઓના નામ અને નંબર મળ્યા હતા. જ્યારે પ્રવીણ જૈન પાસેથી 1 લેપટોપ અને 1 ગાડી પણ મળી આવતા સીઆઈડી ક્રાઈમે તેમની વિરુધ્ધ ગુનો નોંધી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. લેપટોપ-ફોનમાં મહત્ત્વનો ડેટા મળી આવ્યો હતો.
સીઆઈડી ક્રાઈમના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી પ્રવીણ જૈન પાસેથી મળી આવેલા 19 મોબાઈલ ફોન અને 1 લેપટોપમાંથી 8 બુકી ઉપરાંત હજારો ગ્રાહકોનો ડેટા મળી આવ્યો છે. જો કે આ તમામ ગ્રાહકોના નામ નહીં પરંતુ યુઝરઆઈડી – પાસવર્ડ મળી આવ્યા હતા. પોલીસે ગ્રાહોકની માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યુ છે. પ્રવીણ જૈન પાસેથી અન્ય 8 બુકીના નામ – નંબર મળી આવ્યા છે. જેમાં અમદાવાદના અન્ય 2, જોધપુરના 2, જયપુરના 2 અને સુરતના 2 બુકીનો સમાવેશ થાય છે. જેથી પોલીસે આ તમામ બુકીઓની માહિતી એકત્રિત કરીને તેમને પકડવા જુદી જુદી ટીમો રવાના કરી છે.