રાજકોટઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે શાળા-કોલેજોમાં અગાઉથી જ શૈક્ષણિક કેલેન્ડર મુજબ દિવાળી વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ તા. 19મી ઓક્ટોબરથી 8મી નવેમ્બર સુધી દિવાળી વેકેશનની જાહેરાત કરી છે, દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ પરિવાર સાથે પર્યટક સ્થળોએ ફરવા માટે જઈ શકે, તેમજ દિવાળીનું પર્વ ઊજવી શકે તે માટે દર વર્ષની જેમ આ વખતે પણ 21 દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે આગામી 19 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે પણ 19મી ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી રજા જાહેર કરાઈ છે. જેમાં કર્મચારીઓને સળંગ રજા મળે તે માટે તા.25, 27, 28 અને 29 ઓક્ટોબરના ચાલુ દિવસે રજા અપાશે. આ સાથે જ કર્મચારીઓ માટેનું દિવાળી વેકેશન પૂર્ણ થતા જ નવા વર્ષને અનુલક્ષીને 1 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે યુનિવર્સિટીના સેનેટ હોલમાં શૈક્ષણિક-બિન શૈક્ષણિક કર્મચારીઓનો સ્નેહમિલન સમારોહ યોજાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તાજેતરમાં એકેડેમિક કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં યુનિ.સલગ્ન કેટલીક લો કોલેજો કાઉન્સિલની માન્યતા ધરાવતી ન હોવાથી આવતા વર્ષથી કોલેજોના જોડાણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત દિવાળીના વેકેશનના સંદર્ભમાં પણ ચરાચા કરવામાં આવી હતી.
21 ઓક્ટોબરના શુક્રવારે સાંજે 4 વાગ્યે સેનેટ હોલમાં ભૌતિકશાસ્ત્ર ભવનના પ્રોફેસર ડો.એચ.પી. જોશી, સમાજકાર્ય ભવનના એસોસીએટ પ્રોફ્સર ડો.આર.ડી.વાઘાણી, બાંધકામ વિભાગના ઈલેક્ટ્રીકલ સુપરવાઈઝર એ.સી.દવે અને સ્વીપર આર.એમ.વાઘેલા નિવૃત થતા હોવાથી વિદાય સમારંભ યોજાશે.