Site icon Revoi.in

કડાણા ડેમના 21 દરવાજા ખોલાયા, 235 ગામોને કરાયા એલર્ટ

Social Share

વડોદરાઃ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કડાણા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કડાણા ડેમના 21 દરવાજા ખોલીને મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના નદી મહીસાગર નહી બે કાંઠે વહેતી જોવા મળી છે, જેના લીધે નદી કિનારે આવેલા 5 જિલ્લાના 235 ગામોને એલર્ટ કરાયા છે. ગત રાત્રે 3 લાખ ક્યુસેક વધુ પાણી છોડવામાં આવ્યું છે.

રાજ્યનો ત્રીજા નંબરનો સૌથી મોટો કડાણા ડેમ સતત ઓવર ફ્લો થઈ રહ્યો છે. કડાણા અને પાનમ ડેમમાંથી મહીસાગર નદીમાં ગત મોડી રાતથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે વડોદરા જિલ્લાના મહીસાગર નદી કાંઠાના ડેસર, સાવલી અને વડોદરા ગ્રામ્ય અને પાદરા તાલુકાના હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેને પગલે વડોદરા જિલ્લા તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. મહીસાગર નદીના કાંઠા વિસ્તારના 5 જિલ્લાના 235 ગામોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. પાણી પ્રવાહ વધુ હોવાથી પુલના બંને છેડે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ઉપરવાસમાંથી સતત પાણીની આવક થતી હોવાથી તંત્રને કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવાની ફરજ પડી છે. હાલમાં ડેમનું લેવલ 417 ફૂટ 5 ઇંચ પહોંચ્યું છે. જેથી ખેડા વડોદરાનો જોડતો ગળતેશ્વર-ડેસર બ્રિજ પણ બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત તલાટીઓ, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે.

​​​​​​​મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે કડાણા તથા પાનમ ડેમના જળાશયમાંથી પાણી છોડાઇ રહ્યું છે, જેને કારણે વણાકબોરી જળાશય ખાતે પાણીની સપાટી 234 ફુટે પહોંચી હતી. જેથી ફ્લડ મેમોરેન્ડમ 2024-25માં જણાવ્યા મુજબના મહી નદી કાંઠાના ગામોને જે તે સિગ્નલની લેવલની મર્યાદા મુજબ સાવચેતીના પગલાં લેવા તથા સ્થાનિક અને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસતંત્રને તમામ પ્રકારના સાવચેતીના પગલાં લેવા સુચના આપવામાં આવી છે.

​​કડાણા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે મહીસાગર નદી હાલ બંને કાંઠે વહી રહી છે અને નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે. જેને લઇ મહિસાગર જિલ્લાના 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ મહીસાગર કાંઠા વિસ્તારના પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના મહી કાંઠા વિસ્તારના લોકોને પણ સતર્ક રહેવા જણાવાયું છે.