દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર હવે પૂર્વ મંજુરી વિના પ્રવેશ નહીં મળે, કલેકટરનું જાહેરનામું
જામ ખંભાળિયાઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાનો વિશાળ સાગરકાંઠો અતિ સંવેદનશીલ છે. જિલ્લામાં સમુદ્રમાં 24 ટાપુઓ આવેલા છે. જે ટાપુઓમાંથી માત્ર બે ટાપુઓ પર માનવ વસતી વસવાટ કરે છે. જ્યારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. નિર્જન ટાપુઓ પર ધાર્મિક સ્થળો આવેલા હોવાથી વિવિધ ધાર્મિક પ્રસંગોએ દર્શનાર્થે વિવિધ જ્ઞાતિના શ્રધ્ધાળુઓ અવર જવર કરતા હોય છે. આ શ્રધ્ધાળુઓ સાથે રાષ્ટ્રવિરોધી તેમજ દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃતિઓ કરતા ઇસમો નિર્જન ટાપુઓ પર આશ્રય મેળવે અથવા હથિયાર કે નશાકારક પદાર્થો છુપાવે તેની શક્યતા નકારી શકાય નહી. આવી પ્રવૃતિઓના કારણે જનસલામતી ન જોખમાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં જિલ્લામાં આવેલા 21 ટાપુઓ ઉપર જે તે ટાપુની મહેસુલી હકુમત ધરાવતા પ્રાંત અધિકારી અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટની લેખીત પુર્વ મંજુરી વિના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો પાકિસ્તાનની જળસીમા સાથે જોડાયેલો છે. એટલે મરીન એજન્સીને પણ આ વિસ્તારમાં વધુ સક્રિય રાખવી પડે છે. દ્વારકાના દરિયામાં 24 જેટલા ટાપુ આવેલા છે. જેમાં માત્ર બે ટાપુ પર જ માનવ વસાહતો છે. બાકીના 21 ટાપુ નિર્જન છે. એટલે 21 ટાપુઓ પર મંજુરી વિના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ખંભાળિયા તાલુકાની મહેસૂલી હકુમતમાં આવતા ધાની ઉર્ફે ડની ટાપુ, ગાંધીયોકડો ટાપુ, કાલુભાર ટાપુ, રોઝી ટાપુ, પાનેરો ટાપુ તેમજ કલ્યાણપુર તાલુકામાં આવતા ગડુ (ગારૂ) ટાપુ, સાનબેલી (શિયાળી) ટાપુ, ખીમરોઘાટ ટાપુ જ્યારે દ્વારકા તાલુકા મહેસૂલી હકુમત હેઠળ આવતા આશાબાપીર ટાપુ ભૈદર ટાપુ, ચાંક ટાપુ, ધબધબો (દબદબો) ટાપુ, દીવડી ટાપુ, સામીયાણી ટાપુ, નોરૂ ટાપુ, માન મરૂડી ટાપુ, લેફા મરૂડી ટાપુ, લંધા મરૂડી ટાપુ, કોઠાનું જંગલ ટાપુ, ખારા મીઠા ચુષ્ણા ટાપુ અને કુડચલી ટાપુ પર તા. 11 ડિસેમ્બર સુધી પ્રવેશબંધી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનારા સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.