Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના વધુ 21 કેસ નોંધાયા, કુલ 60 કેસમાં 59 દર્દીઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે

Social Share

અમદાવાદઃ શહેરમાં ઠંડી મિશ્રિત ઋતુને કારણે ફરીવાર કોરોનાએ માથું ઉચક્યું છે. અને વધુ 21 કેસ નોંધાતા કોરોનાના કુલ કેસનો આંકડો 60 ઉપર પહોંચ્યો છે. મ્યુનિ.ના હેલ્થ કેન્દ્રોમાં ટેસ્ટીંગ સેવા શરૂ કરી દેવામાં આવી છે. ઘણા લોકો શરદી, તાવની બિમારીમાં દવા લેવા માટે આવે છે. પણ સ્ટેટીંગ કરાવતા નથી. શહેરમાં કોરોનાના જે કેસ નોંધાયા છે. જેમાં કેટલાક દર્દીઓની ટ્રાવેલ્સ હીસ્ટ્રી પણ મળી છે. શહેરમાં હાલ કોરોનાના 60 કેસમાં 59 દર્દીઓને પોતાના ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે એક દર્દીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે એક જ દિવસમાં કોરોનાના 21 જેટલા કેસ નોંધાયા હતા. જેમાં 15 પુરુષ અને 6 મહિલાનો સમાવેશ થાય છે. 21માંથી આઠ જેટલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. કોરોનાનાજે નવા 21 કેસ નોંધાયા જેમાં નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાગ, ઘાટલોડિયા, દાણીલીમડા મણિનગર, ભાઈપુરા, નવરંગપુરા પાલડી, વાસણા, સરખેજ, ઇસનપુર અને ખોખરા વિસ્તારનો સમાવેશ થાય છે. શહેરમાં હાલ કુલ 60 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં એક દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો છે. જ્યારે 59 દર્દી હોમ આઇસોલેશનમાં છે.

આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં એએમસીના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં કોરોના ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરોમાં ડોક્ટરો દ્વારા જે દર્દીને કોરોનાના લક્ષણો જેવા કે ભારે તાવ, શરદી, ખાંસી જેવું જણાય તો તેઓને કોરોના ટેસ્ટ માટે કહેવામાં આવે છે, પરંતુ મોટાભાગના દર્દીઓ કોરોના ટેસ્ટ કરાવી રહ્યા નથી. તેઓ ડોક્ટરોને દવા આપી દો તેમ કહી અને દવા લઈ લે છે, પરંતુ તેઓ ટેસ્ટ કરાવી રહ્યા નથી. જે પણ દર્દીને કોરોનાના લક્ષણ જણાય તો તેઓને કોરોના ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવે છે. જેમાં દરરોજના માત્ર બેથી ત્રણ દર્દીઓ જ કોરોના ટેસ્ટ માટે તૈયાર થાય છે. હાલમાં અર્બન હેલ્થ સેન્ટરમાં જે દર્દીઓ કોરોના ટેસ્ટ કરાવી ચૂક્યા છે તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કોરોનાના કેસોને લઈને હજી લોકો ગંભીર જણાતા નથી

સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ શહેરમાં બે દિવસ પહેલા કોરોનાના 10 કેસ નોંધાયા હતા. જેમાં પાંચ મહિલા અને પાંચ પુરૂષ દર્દીના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ, થલતેજ, નિકોલ, મણીનગર, સાબરમતી અને ઇસનપુર વિસ્તારમાંથી આ તમામ કેસો સામે આવ્યા હતા. 10માંથી ચાર દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી હતી. ગોવા, સિંગાપુર, રાજકોટ અને ઓસ્ટ્રેલિયાથી દર્દી અમદાવાદ પરત આવ્યા બાદ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 6 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.