વાલીઓનો ખાનગી સ્કૂલનો મોહ ભંગઃ સુરતમાં 2164 વિદ્યાર્થીઓએ સરકારી પ્રાથમિક શાળામાં લીધું એડમીશન
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોને આર્થિક મુશ્કેલી ઉભી થઈ છે. બીજી તરફ ખાનગી સ્કૂલોની ઉંચી ફી પોસાતી નહીં હોવાથી અનેક વાલીઓ પોતાના સંતાનોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાવીને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવા મુકવાનું પસંદ કરે છે. બીજી તરફ સરકારી સ્કૂલોમાં પણ હવે આધુનિક સુવિધાથી સજ્જ થવાની સાથે શિક્ષણના સ્તરમાં પણ વધારો થયો છે.
સુરતમાં એક વર્ષમાં જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 2164 ખાનગી શાળાને અલવિદા કહી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. સુરત જિલ્લામાં સરકારી શાળામાં શિક્ષણનું સુધરતું સ્તર તથા કોરોના મહામારીને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિમાં આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.
રાજ્યના પ્રત્યેક સરકારી શાળાઓમાં શૈક્ષણિક સુવિધાઓ સાથે તજજ્ઞ શિક્ષકો ઉપલબ્ધ બને તે માટે પ્રયાસો એ શિક્ષણમાં ધરમૂળથી બદલાવ કર્યો છે. તેના પરિણામે વાલીઓ તેમના બાળકોને સરકારી શાળામાં ને બદલે ખાનગી શાળામાં પ્રવેશ અપાવતા હતા તે વાલીઓએ હવે બાળકોના નામ ખાનગી શાળામાંથી કઢાવીને તેમને સરકારી શાળામાં પ્રવેશ આપી રહ્યા છે.
બારડોલી તાલુકામાં 78, ચોર્યાસી તાલુકામાં 186, ઓલપાડ તાલુકામાં 326, પલસાણા તાલુકામાં 154, માંડવી તાલુકામાં 262, મહુવા તાલુકામાં 147, માંગરોળ તાલુકામાં 157 અને કામરેજ તાલુકામાં 582 જેટલા વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપક દરજીના જણાવ્યા પ્રમાણે શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ, પ્રોજેક્ટર, ટેટ અથવા ટાટ પરીક્ષા પાસ થયેલા તજજ્ઞ શિક્ષકો, સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટરનેટ કનેકટીવિટી એવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેના કારણે સુરત જિલ્લામાં વાલીઓ ખાનગી શાળાઓના બદલે તેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.