મહેસાણાઃ જિલ્લાના ખેરવા ગણપત યુનિવર્સિટી ખાતે રક્ષાશક્તિ સ્કૂલ અને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સિલન્સની મુખ્ય સચિવ રાજકુમારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરશ્રી એમ નાગરાજન ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય સચિવશ્રીએ રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિ સ્કૂલના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, આજથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. આ વર્ષે 21મા શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં દરેક બાળકોનું 100 ટકા નામાંકન થઈ રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે સરકારી શાળામાં દરેક પ્રકારની સુવિધાઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી છે. દરેક શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ જોવા મળી રહ્યો છે માટે સરકાર સાથે જો તેમાં સમાજનો સહકાર મળે તો શિક્ષણના આ કાર્યને વધુ વેગ મળશે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે 21મી સદીનું ભારત રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિના વિદ્યાર્થીઓમાં દેખાય છે. આ વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્યનો લાભ રાજ્ય અને દેશને મળશે. ગણપત યુનિવર્સિટી સમાજ માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહી છે. અહીંના વિદ્યાર્થીઓ રમત રમત પ્રત્યે ખૂબ આગળ છે. તેવી જ રીતે દરેક ક્ષેત્રે ગણપત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી મુખ્ય સચિવે આશા પણ વ્યક્ત કરી હતી.
આ તકે મુખ્ય સચિવ સહિતના મહાનુભાવોના હસ્તે રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિ સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્ય સચિવ સહિતના મહાનુભવો વૃક્ષા રોપણ કર્યું હતું આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના પ્રો. ચાન્સેલર મહેન્દ્ર શર્મા, પ્રાંત અધિકારી ઋતુરાજસિંહ જાદવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી બિરેન પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શરદ ત્રિવેદી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.