અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન ગુજરાતથી બસમાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર ગયાં હતા. ઋષિકેશ ખાતે ગુજરાતથી ગયેલા એક જૂથના શ્રદ્ધાળુઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 22 શ્રદ્ધાળુઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર હરિદ્વારમાં હાલ કુંભ મેળો ચોલી રહ્યો છે. દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર જઈ રહ્યાં છે. દરમિયાન ગુજરાતથી શ્રદ્ધાળુઓની બસ ઋષિકેશ પહોંચી હતી. ગુજરાતના શ્રદ્ધાળુઓના એક જૂથમાં 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હાહાકાર મચી ગયો હતો. આ મુસાફરોને લઈ બસ 18 માર્ચે તપોવનથી મુનિ કી રેતી પહોંચી હતી. જ્યાં તમામ મુસાફરોના આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 22 મુસાફરો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ હતી.
સેમ્પલ બાદ શ્રદ્ધાળુઓ નીલકંઢ અને શીશમ ઝાડી સ્થિત આશ્રમમાં રોકાયા હતા. આ ઉપરાંત સોમવારે પણ 15 મુસાફરોને લઈને એક બસ આવી હતી. મુસાફરોના એન્ટીજન સેમ્પલમાં એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.