Site icon Revoi.in

જેલમાં બંધ 22 કેદીઓ ધો-12 સામાન્ય પ્રવાહમાં ઉતીર્ણ થયાં

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેલમાં બંધ લગભગ 56 જેટલા કેદીઓએ ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જે પૈકી આજે જાહેર થયેલા પરિણામમાં 22 જેટલા કેદીઓ ઉત્તીર્ણ થયાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની વિવિધ જેલમાં બંધ કેદીઓ જેલમાંથી મુક્ત થયા બાદ બહારની દુનિયામાં માનભેર જીવન વિતાવી શકે તે માટે વિવિધ રોજગારી તાલીમ આપવામાં આવે છે. એટલું જ નહીં જેલમાં બંધ કેદીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેથી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુસ્તકો સહિતની સહાય પુરી પાડવામાં આવે છે. બોર્ડ દ્વારા જેલમાં બંધ કેદીઓ ધો-10 અને ધો-12ની પરીક્ષા આપી શકે તે માટે જેલમાં જ પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવે છે. ચાલુ વર્ષે જેલમાં બંધ 56 જેટલા કેદીઓએ ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. આજે બોર્ડ દ્વારા ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 56 કેદીઓ પૈકી 22 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયાં છે. ઉત્તીર્ણ થયેલા આ વિદ્યાર્થીઓ વધારે અભ્યાસ કરી શકે તેવી કામગીરી પણ જેલતંત્ર દ્વારા કરવામાં આવશે.

વાંચોઃ ગુજરાત બોર્ડનું ઘોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, 73.27 ટકા આવ્યું પરિણામ

અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડ દ્વારા આજે મંગળવારે ધો-12 સામાન્ય પ્રવાહનું લગભગ 73.27 ટકા જેટલુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પરિણામ ઓછુ આવ્યું હોવાનું જાણવા મળે છે. લગભગ 1875 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ હાંસલ કર્યો છે. બીજી તરફ રાજ્યની લગભગ 311 જેટલી શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં સૌથી ઉંચુ પરિણામ કચ્છ જિલ્લાનું 84.59 ટકા આવ્યું છે.