અમદાવાદઃ કચ્છના મુન્દ્રા પોર્ટ પર એસીબીએ કસ્ટમના બે અધિકારીઓને લાંચ લેતા પકડી પાડ્યા હતા.ત્યરબાદ બન્ને અધિકારીઓના ઘરે તથા અન્ય સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. જેમાં કસ્ટમ સુપ્રિટેન્ડન્ટના ઘરેથી એસીબીને સર્ચ દરમિયાન પોણા પંદર લાખ રુપિયાની રોકડ, બેંક લોકરમાંથી 8.97 લાખ રોકડ અને 6.42 લાખના સોનાની બિસ્કીટ મળી આવ્યા હતો. આમ એસીબીને કસ્ટમના બન્ને અધિકારીઓ પાસેથી જ રોકડા 23 લાખ જેટલી માતબર રકમ મળી આવી હતી. હજુ પણ અન્ય બેન્કોમાં લોકર છે કે કેમ? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મુદ્રા પોર્ટ પર તાજેતરમાં એક લાખ રૂપિયાની લાંચ લેતા કસ્ટમના અધિકારી શૈલેષ ગંગદેવ, આલોક દુબે અને વચેટીયા રમેશ ગઢવીને એસીબીએ રંગેહાથે પકડી પાડ્યા હતા. અને તેઓની સામે એસીબી ભુજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો. આ તમામ આરોપીઓના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શૈલેષ ગંગદેવના મુન્દ્રા નિવાસ્થાનેથી પોણા પંદર લાખની રોકડ રકમ મળી આવી હતી, જેનો કોઇ હિસાબ મળી આવ્યો ન હતો. આ અંગે તેમને પૂછતા તેઓ યોગ્ય ઉત્તર આપી શક્યા ન હતા. જોકે, વધુમાં બેન્ક લોકરમાં એસીબીએ તપાસ હાથ ધરતા શૈલેષ ગંગદેવના બેન્ક લોકરમાંથી 8.97 લાખ રોકડા અને 6.42 લાખના સોનાની બિસ્કીટ મળી આવ્યા હતા. આ પણ એસીબીએ કબ્જે કર્યા છે. આ અંગે પણ શૈલેષને પૂછતા તેમની પાસે તેના યોગ્ય ઉત્તર ન હતા.
આ કેસની વિગતો એવી હતી કે, ફરિયાદીએ હેન્ડબેગનું કન્ટેનર આયાત કર્યું હતું. આ કન્ટેનરમાં કોઇપણ પ્રકારની તપાસ ટાળવા અને માલ સરળતાથી ક્લિયર કરવા માટે અધિકારીઓ દ્વારા લાંચની માગણી કરાઇ હતી. આખરે એક લાખની લાંચ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીને લાંચની રકમ આપવી ન હતી એટલે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ લાંચિયા અધિકારીઓને પકડવા છટકુ ગોઠવ્યું હતું અને રંગેહાથે તમામને પકડી પાડ્યા હતા. આ અંગે એસીબીએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.