આતંકીસ્તાન-પાકિસ્તાનમાં હજીપણ 22 ટેરર કેમ્પ સક્રિય છે. તેમા મસૂદ અઝહરના આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મદના નવ આતંકી કેમ્પ પણ સામેલ છે.
ભારતના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે વોશિંગ્ટનમાં આના સંદર્ભે માહિતી આપી છે. તેની સાથે જ પાકિસ્તાનને ચેતવણી પણ આપવામાં આવી છે કે જો સીમાપારથી આતંકવાદી ગતિવિધિઓ કરવામાં આવે છે, તો પછી બાલાકોટ એરસ્ટ્રાઈક જેવું ઓપરેશન કરતા ભારત ખચકાશે નહીં.
મહત્વપૂર્ણ છે કે ભારતે 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરીને જૈશ-એ-મોહમ્મદની આતંકવાદી શિબિરોને તબાહ કરી હતી. જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતની એરસ્ટ્રાઈક પહેલા 14મી ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા સીઆરપીએફના કાફલા પરના આત્મઘાતી હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા.
નામોલ્લેખ ટાળવાની શરતે એક અધિકારીએ કહ્યુ છે કે પાકિસ્તાન દુનિયામાં આતંકવાદનું કેન્દ્ર છે અને તેને આતંકવાદ વિરુદ્ધ વિશ્વસનીય પગલા ભરવાની જરૂર છે. અધિકારીએ પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યુ છે કે હજીપણ પાકિસ્તાનમાં 22 આતંકી ટ્રેનિંગ કેમ્પ અસ્તિત્વમાં છે અને તેમાના નવ ટેરર કેમ્પ જૈશ-એ-મોહમ્મદના જ છે. આ આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કોઈપણ એક્શન લેવામાં આવ્યા નથી.
પાકિસ્તાન દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી કેટલાક આતંકવાદી સંગઠનો વિરુદ્ધની કાર્યવાહીને લઈને અધિકારીએ કહ્યુ હતુ કે આ કંઈ અસામાન્ય નથી. ભારત દ્વારા કરવામાં આવતી દરેક કાર્યવાહી બાદ આમ કરવામાં આવે છે. સ્થિતિ સામાન્ય થયા બાદ પાકિસ્તાન આતંકવાદીઓને મુક્ત કરી દેતું હોય છે.
એક સવાલના જવાબમાં અધિકારીએ કહ્યુ છે કે પાકિસ્તાન દ્વારા 27 ફેબ્રુઆરીએ વાપરવામાં આવેલા એફ-16 યુદ્ધવિમાનને લઈને ભારતે અમેરિકાને જાણકારી આપી દીધી છે.
આતંકીઓ વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરે પાકિસ્તાન: અમેરિકા
અમેરિકાએ પાકિસ્તાનને ફરી એકવાર તાકીદ કરી છે કે પાકિસ્તાનમાં રહેલા આતંકવાદી જૂથોની વિરુદ્ધ કાયમી અને સતત કાર્યવાહી કરવામાં આવે. અમેરિકાના વિદેશ મંત્રાલયનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે કે જ્યારે પુલવામા એટેક અને બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદની આતંકી શિબિર પર ભારતની કાર્યવાહી માટે વૈશ્વિક દબાણ વધ્યું છે.