સુરતઃ શહેરમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી પુરી પાડી રહ્યો છે. આ બન્ને ક્ષેત્રમાં બહારગામના અનેક લોકોએ રોજગારીને લીધે શહેરમાં વસવાટ કર્યો છે. આમ સુરતમાં વસવાટ કરતા બહારગામના લોકો દિવાળીએ તહેવારોમાં પોતાના માદરે વતન જતા હોય છે. એટલે દિવાળી દરમિયાન ટ્રાફિકને પહોંચી વળવું મુશ્કેલ બનતું હોય છે. ત્યારે એસટી વિભાગે દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે આગોતરૂ આયોજન કર્યું છે. અને એસટીની 2200 જેટલી એકસ્ટ્રા બસો દોડાવાશે.
સુરતથી દિવાળીના તહેવારને ધ્યાને રાખીને મુસાફરોની સુવિધા માટે 2200થી વધુ એકસ્ટ્રા એસટી બસો દોડાવાશે. દિવાળીના તહેવારમાં શહેરમાંથી સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાઓમાં હજારોની સંખ્યામાં લોકો પોતાના વતનમાં જતા હોય છે. આ દરમિયાન એસટી સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો રહેતો હોય છે. ત્યારે મુસાફરોની સગવડતાને ધ્યાને રાખીને સુરત એસટી વિભાગ દ્વારા 7મી નવેમ્બરથી 11મી નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ 2200 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે.
સુરત એસટી ડિવિઝન વિભાગિય નિયામક કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારો દરમિયાન 200 જેટલી એકસ્ટ્રા એસટી બસો દોડાવાશે. જેમાં 7મી નવેમ્બરથી 11મી નવેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહારાષ્ટ્ર સહિત વિવિધ સ્થળોએ 2200 જેટલી વધુ બસો દોડાવવામાં આવશે.તેમજ 2જી નવેમ્બરથી 10 મી નવેમ્બર દરમિયાન દૈનિક 15 બસોના વધારા સાથે 101 નવી એસટી બસો દોડાવાશે. એસટી નિગમ દ્વારા દોડાવાતી વધારાની બસોના બુકિંગ માટે નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે તથા ટોલ ફ્રી નંબર પર પણ 24 કલાક મુસાફરો પૂછપરછ કરી શકશે.