રાજકોટઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર ખાતે જલારામબાપાની 224મી જન્મજયંતિની ભવ્યાતિભવ્ય ઉજવણી કાલે 19મીને રવિવારના રોજ કરાશે. જેના માટે તમામ તૌયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વીરપુર ગામના લોકો દ્વારા વીરપુર ધામને ધજા, પતાકા, કમાનો તેમજ રોશનીઓ લગાવી શણગારવામાં આવ્યું છે. અને બાપાની જન્મ જયંતિનો નિમિતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.
વીરપુરમાં જલારામ બાપાના મંદિરમાં 204 વર્ષથી સતત સદાવ્રત ચલાવવામાં આવી રહ્યુ છે. સંત પૂજ્ય જલારામબાપાની કાલે રવિવારને કારતક સુદ સાતમના રોજ 224 મી જન્મ જયંતિને ઉજવવા માટે વિરપુર ગામમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીનો તહેવાર એટલે લોકો માટે રજાઓનો દિવસો અને આ દિવસોનો ફાયદો ઉઠાવવા માટે લોકો પરિવારો સાથે હરવા ફરવાના તેમજ ધાર્મિક તીર્થ સ્થાનોએ ઉપડી જતા હોય છે, જેમાં યાત્રાધામ વીરપુરમાં દિવાળીના તહેવારોમાં યાત્રિકોનો ખુબ મોટો ઘસારો જોવા મળ્યો હતો. તેમાંય દિવાળી બાદ તરત જ જલારામ જયંતી આવતી હોય ભાવિકોમાં બાપાના દર્શન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ વિરપુરમાં બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવા વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા સમગ્ર વીરપુર ગામને ધજા, પતાકા ઠેરઠેર કમાનો લગાવી અને રોશનીથી ઝળહળતું કરી ગોકુળિયું ગામ બનાવવામાં આવ્યું છે. રવિવારે પુજ્યબાપાની જન્મ જયંતી ઉજવવાની તડામાર તૈયારીઓને સ્વયં સેવકો દ્વારા આખરીઓપ આપી દેવામાં આપવામાં આવ્યો છે.
બાપાની જન્મજયંતિને લઈને વીરપુર ખાતે દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત રીતે જલારામ બાપાના દર્શન કરી શકે તે માટે ત્રણસોથી વધુ સ્વયં સેવકો બાપાની જગ્યામાં તેમજ ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્રમાં સેવા માટે ખડે પગે રહેશે. અને જન્મ જયંતિની ઉજવણીને લઈને સમગ્ર ગામજનો દ્વારા બાપાના જીવન કવનને દર્શાવતી ઝાંખીઓ સાથેની શોભાયાત્રા પણ યોજવામાં આવશે.