અંબાજી પરિક્રમાં પથ પર આવતા ભક્તોની સંખ્યામાં 225 ટકાનો વધારો
અમદાવાદ :ઉત્તર ગુજરાતમાં આવેલા અંબાજી મંદિર કે જેની સાથે કરોડો લોકોની આસ્થા અને શ્રધ્ધા જોડાયેલી છે તે મંદિરે આવતા ભક્તોની સંખ્યામાં 225 ટકાનો વધારો થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી તીર્થધામ ક્ષેત્રે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો હતો. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સ્થાનિક ભાવિકોમાં અત્યંત અનેરૂ મહત્વ ધરાવે છે અને આ પરિક્રમા મહોત્સવના લીધે શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મહોત્સવ બાદ પરિક્રમા પથ પર આવનારા શ્રદ્ધાળુઓની સંખ્યામાં 225 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.
માર્ચ અને એપ્રિલ-2022 મહિનાના એવરેજને ધ્યાનમાં લેતા આ તફાવત જોવા મળે છે. પરિક્રમા મહોત્સવ પહેલા ગબ્બર મંદિર પર 3350 જેટલા શ્રદ્ધાળુઓ આવતા હતા. જે સંખ્યા વધીને 4450 થઇ ગઇ છે, જે 33 ટકાનો વધારો દર્શાવે છે. તેવી જ રીતે પરિક્રમા પથ પર 100 જેટલા શ્રદ્ધાળુઓ આવતા હતા, જે સંખ્યા વધીને 2250 સુધી પહોંચી છે, જે 22.5 ગણો વધારો છે. અંબાજી મંદિરના દર્શનાર્થે આવતા ભાવિકોની સંખ્યામાં પણ 14 ટકાનો વધારો જોવા મળ્યો છે.
અંબાજી મંદિરમાં 3 કિ.મી.ના પરિક્રમા પથ અને લાઇટ એન્ડ સાઉનડ શો ને જોવા માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના જણાવ્યા અનુસાર મંદિરમાં હવે દૈનિક એવરેજ 450 થી 500 લોકોની થઇ છે, જે સંખ્યા શનિ અને રવિવારના દિવસે 600 થી 700 સુધી પહોંચે છે.