વડોદરાઃ શહેર નજીક આવેલા ભાયલીના પેટાપરા રાયપુરા ગામે લગ્નપ્રસંગના જમણવારમાં ભોજન આરોગ્યા બાદ 226 લોકોને ખોરાકી ઝેરની અસર થતાં વડાગરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વડોદરાના ભાયલી ગામ પાસે આવેલા રાયપુરા ગામમાં લગ્ન પ્રસંગમાં મેંગો ડિલાઇટ ખાતા 226 લોકોને ઝેરી ખોરાકની અસર થતાં દોડધામ મચી ગઈ હતી. ભોજન આરોગ્યા બાદ પેટમાં દુઃખાવાની, ઊલટીઓ થવાની તેમજ ઉબકા આવવાની ફરિયાદો કરનારા તમામ અસરગ્રસ્તોને વડોગરાની ગોત્રી સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં 3000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ ભાયલી ગામ પાસેના રાયપુરા ગામમાં બળવંતસિંહ મગનસિંહ પઢીયારના ઘરે લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન પ્રસંગમાં 3000 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મોડી સાજથી શરૂ થયેલા જમણવારમાં દૂધમાંથી બનાવવામાં આવતા મેંગો ડિલાઇટ સ્વીટ સહિત વિવિધ ચીજ વસ્તુઓ હતી. આ ચીજ વસ્તુઓ પર મેંગો ડિલાઈટ ખાવાના કારણે લોકોને અસર થઈ હોવાનું જિલ્લા આરોગ્ય વિભાગના તબીબોની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. મોડી રાત્રે બનેલા બનાવની જાણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષીબેન ચૌહાણને થતાં તેઓ તુરંત જ સ્થળ ઉપર દોડી ગયા હતાં અને અસરગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તેવું આયોજન કર્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ભાયલી ગામના પેટા પરા તરીકે ઓળખાતાં રાયપુરા ગામમાં આયોજિત લગ્ન પ્રસંગમાં 226 જેટલા લોકોને મેંગોલાઇટ સ્વીટ ખાવાના કારણે ઝેરી અસર થઈ હતી. અસરગ્રસ્તો પૈકી 111 જેટલા લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેઓને ઓપીડી બેઝ પર સારવાર આપવામાં આવી હતી. તે પૈકી 87 લોકોને ગોત્રી મેડિકલ કોલેજ હોસ્પિટલ, 19 લોકોને ખાનગી હોસ્પિટલ, 5 લોકોને પાદરા સીએચસી ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 19 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. આ કામગીરીમાં 19 સર્વેલન્સ ટીમ, 38 પેરા મેડિકલ સ્ટાફ, 9 મેડિકલ ઓફિસર, 3 તાલુકા હેલ્થ ઓફિસર કામે લગાડવામાં આવ્યાં હતાં. આ ગામમાં 4204 લોકો રહે છે. જે પૈકી 894 ઘરોમાં તબીબી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. અને અસર જણાતા લોકોને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાયપુરા ગામમાં મોડી સાંજે બનેલા આ બનાવની જાણ જિલ્લા કલેક્ટર અતુલ ગોર તેમજ એકેડેમિક મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસરો દોડી ગયા હતા. અસરગ્રસ્તોને વહેલામાં વહેલી સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરી સૂચનાઓ પણ સ્ટાફને આપવામાં આવી હતી.