અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 2265 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1290 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે બેના મોત નિપજ્યા હતા. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે.
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં સાત મહિના બાદ પહેલીવાર 2200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 નવા કેસ નોંધાયા છે. એ પહેલા 29 મેના રોજ એટલાં કેસ હતા. અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1290 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં રોકેટગતિએ વધી રહેલા કોરોના કેસમાં એક નવું તથ્ય બહાર આવ્યું છે કે દર ત્રીજા દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. રસપ્રદ છે કે ગત માર્ચ-એપ્રિલ 2021માં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ રીતે જોઈએ તો 24 ડિસેમ્બરે ગુજરાતમાં કોરોના પોઝિટિવના નવા 98 કેસ નોંધાયા હતા. આ આંકડો 26મીએ તેના ડબલ જેટલો વધી 177, 28મીએ તેના ડબલ થઈ 394 અને 30મીએ 573 તેના ડબલ જેટલો વધીને 1 જાન્યુઆરીએ 1069 થયો હતો. જોકે, હવે ડબલ થવાની ગતિ ધીરી પડી છે અને નજીવો વધારો થયો છે અને 1259 નવા કેસ નોંધાયા છે. 4 જાન્યુઆરીએ ડબલ જેટલા 2265 નવા કેસ થયા છે. જ્યારે 24 ડિસેમ્બર બાદ 12 દિવસે કેસમાં 188 ઘણો વધારો થયો છે અને 2265 થયા છે.
ગુજરાતમાં કોરોનાના આજે 2265 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 1290 કેસ, સુરત શહેરમાં 415 કેસ, વડોદરા શહેરમાં 86 કેસ, આણંદમાં 70 કેસ, કચ્છમાં 37 કેસ, રાજકોટ શહેરમાં 36 કેસ, ખેડામાં 34 કેસ ભરૂચમાં 26 કેસ, અમદાવાદ જિલ્લામાં 24 કેસ, ગાંધીનગર શહેરમાં 23 કેસ, રાજકોટ જિલ્લામાં 21 કેસ, ભાવનગર શહેરમાં 18 કેસ અને જિલ્લામાં 4 કેસ, જામનગરમાં 16 કેસ, તેમજ સાબરકાંઠા અને બનાસકાંઠામાં 6-6 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે ભાવનગર જિલ્લામાં-1 અને નવસારીમાં-1 એમ બેના મોત નિપજ્યા હતા.
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. 4 જાન્યુઆરીએ રાજ્યમાં કુલ 2 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં એક સ્ત્રી અને એક પુરૂષ એમ 2 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. બંનેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 154 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે 96 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. ઓમિક્રોનના એક પણ દર્દીનું હજુ સુધી રાજ્યમાં મોત થયું નથી.