અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સાઈબર ક્રાઈમના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સાઈબર માફિયાઓ દ્વારા એક વેપારીને સાયબર એરેસ્ટ કરીને લાખોની લૂંટ ચલાવીને ચોંકાવનારી ઘટના બની હતી. સાયબર ઠગોએ વેપારીને એક બે નહીં પરંતુ નવ કલાક સુધી એરેસ્ટ રાખીને રૂ. 23.30 લાખની રોકડ પડાવી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કેમિકલ વેપારીને સાડા નવ કલાક વીડિયો કોલ ચાલુ રખાવી ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફીયાઓએ 23.30 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. સાયબર માફિયાઓએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપીને 58 વર્ષીય વેપારી રમેશભાઇને ફેડેક્સના કર્મચારી તરીકે ઓળખ આપી હતી. ત્યાર બાદ અન્ય વ્યક્તિએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી, આધારકાર્ડ સહિતની વિગતો માંગી હતી. સાયબર માફિયાઓએ એમ કહ્યું હતું કે તમે પોલીસ ઇન્ટ્રોગેશનમાં છો એમ કહીને વીડિયો કોલ સતત સાડા નવ કલાક સુધી ચાલુ રખાવ્યો હતો અને 23. 30 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વીડિયોકોલ કટ થયા બાદ રમેશભાઈને શંકા જતા તેમણે કુરિયર કંપનીમાં તપાસ કરી તો ટ્રેકિંગ આઈડી શરૂઆતમાં જે આપ્યું હતું તે ખોટું હતું. આથી તેમને જાણ થઈ હતી કે તેમની સાથે સાયબર ફ્રોડ થયું છે. આ તમામ વિગતોને આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રોગિતમાન કર્યાં છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.