રાજપીપીળાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ છલકાવવામાં હવે ત્રણ મીટર બાકી છે. મધ્ય પ્રદેશમાં નર્મદા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીમાં પાણીની આવક વધતા ઈન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. આથી ડેમના 23 દરવાજા ખાલીને એક લાખ ક્યુંસેક પાણી છોડવામાં આવતા ડેમના હેઠવાસના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાં વરસાદ અને ઇન્દિરા સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા ડેમમાં 1 લાખ 04 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી 135.11 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે, જે હવે માત્ર 3 મીટર દૂર છે. જેના પગલે નર્મદા ડેમના 23 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતાં અદભૂત દ્રશ્યો સર્જાયા હતા. જેને નિહાળવા માટે સ્થળ પર સહેલાણીઓનાં ટોળાં ઉમટ્યાં હતાં. હાલ નર્મદા ડેમમાંથી 1 લાખ 04 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેને કારણે નર્મદા ડેમના રેડિયલ 10 દરવાજા ખોલી 30 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપરવાસમાંથી પાણીની આવક વધતા નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી અને નર્મદા નિગમ સવારે 11 કલાકે 15 દરવાજા ખોલી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે 2 કલાકે 23 દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 1 લાખ ક્યુસેક પાણી નર્મદાના ગેટ ખોલી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે અને 49 હજાર જેટલું પાણી રિવરબેડ પાવર હાઉસમાંથી ડિસ્ચાર્જ થઈ નર્મદા નદીમાં 1 લાખ 30 હજારથી વધુ પાણી છોડવામાં આવતા નર્મદા કાંઠાના ગામોને સાબદા કરવામાં આવ્યા છે.