સુરતમાં ભારે પવન ફુંકાતા 23 વૃક્ષો ધરાશાયી, ફાયર વિભાગે શરૂ કરી કામગીરી
સુરતઃ બિપરજોય વાવાઝોડાને લીધે સુરત શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે પવનથી 23 વૃક્ષ ધરાશાયી થયા હતા. આગામી 4 દિવસ પવનની ઝડપ સાથે ઝાપટા પડી શકે છે. રોડ પર પડેલા વૃક્ષોને હટાવવાની કામગીરી મ્યુનિ.ના ફાયર વિભાગના જવાનોએ હાથ ધરી હતી.
સુરત મ્યુનિ.કોર્પોરેશનના ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં કુલ 23 ઝાડ પડ્યા હતા, જેમાં રાંદેર ઝોનમાં 7, કતારગામમાં 4, લિંબાયતમાં 2, વરાછામાં 4, સેન્ટ્રલમાં 2, ઉધનામાં 1 અને અઠવામાં 3 ઝાડ પડવાના કોલ મળતા ફાયરબ્રિગેડ દોડતું થયું હતું. કોલ મળતાની સાથે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ઝાડ કાપી દૂર કર્યા હતા.
સીએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ પવનની જે ગતિ નોંધાઇ હતી તે એકધારી નહીં, પરંતુ તૂટક તૂટક નોંધાતી હોવાથી ખાસ અસર થઈ નથી. આટલી ઝડપથી પવન ફૂંકાવવા છતાં ફ્લડ કંટ્રોલમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી. જો કે, શહેરમાં 23થી વધુ સ્થળોએ ઝાડ તૂટી પડતા વાહનોને નુકસાન થયું હતું. બીપરજોય વાવાઝોડાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે 32 હોડી, 600 જેકેટ અને 74 ઝાડ કાપવાના મશીન તૈયાર રાખ્યા છે. 15મી સુધી કોઈ રજા મંજૂર ન કરવા તાકીદ કરાઈ છે. જાહેરાતના જોખમી હોર્ડિંગ ઉતારી લેવા સૂચના અપાઈ છે. તમામ ઝોનમાં કંટ્રોલ રૂમને સંકલનમાં રહેવા આદેશ કરાયા છે. વીજકંપની, 18 ફાયર સ્ટેશન પર ટીમ સ્ટેન્ડ બાય રહશે.ભારે પવન ફૂંકાતા દરિયામાં મોજા પણ ઉછળ્યા હતા. જેમાં સુંવાલીના દરિયાકિનારે અડધો મીટર સુધીના મોજા ઉછળ્યા હતા. જો કે હાલ સ્થિતિ સુરતમાં અંડર કંટ્રોલ હોવાનું જાણવા મળ્યું છે.