Site icon Revoi.in

સુરતના પાંડેસરામાં 230 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો, ભેળસેળનો રિપોર્ટ બાદ ગુનો નોંધાશે

Social Share

સુરતઃ રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ મ્યુનિ.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પણ સમયાંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે.દરમિયાન મ્યુનિ.ના આરોગ્ય અધિકારીએ શહેરના પાંડેસરા વિસ્તારમાંથી  એક ટેમ્પાને રોકીને તપાસ કરતા 230 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો. આરોગ્ય અધિકારીને પ્રાથમિક નજરે તો પનીર અખાદ્ય હોવાનું લાગી રહ્યું હતું. ત્યારબાદ ડ્રાઈવરની પુછપરછ કરતા તેણે વલસાડથી આ પનીર સુરતના પાંડેસરા અને ઉધના વિસ્તારમાં વેચવા માટે લાવ્યો હોવાનું જણાવ્યું હતુ. પનીરના સેમ્પલને પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. એનો રિપોર્ટ મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વલસાડથી 230 કિલો પનીરનો જથ્થો ટેમ્પામાં લોડ કરીને સુરતમાં પાંડેસરા અને ઉધના વિસ્તારમાં ડિલિવરી કરવાની હતી.  400થી 500 રૂપિયા કિલો મળતું પનીર માત્ર 150થી 180 રૂપિયાના કિલોના ભાવે વેચવામાં આવતુ હતું.  પનીરમાં કેટલી ભેળસેળ છે, તે  લેબોરેટરીના રિપોર્ટ બાદ ખુલાસા થશે.

આ અંગે મ્યુનિ.ના આરોગ્ય અધિકારીના કહેવા મુજબ ટેમ્પોમાં અખાદ્ય પનીર લઈ જવામાં આવી રહ્યું હોવાની બાતમી મળી હતી. તેથી ટેમ્પો રોકીને 230 કિલો પનીરનો જથ્થો સીઝ કર્યો છે. અને તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. તેનું લેબોરેટરીમાં પૃથ્થકરણ કરાશે. પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ્યા બાદ એમાં ભેળસેળ જણાશે તો ફૂડ એક્ટ મુજબની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ટેમ્પાચાલકને  પૂછવામાં આવતા વલસાડથી સુરત આ પનીરને લાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. પ્રાથમિક રીતે જોતા પનીરમાં ભેળસેળ હોય તેવું જણાય છે.

ટેમ્પાના ડ્રાઇવર ચંદ્રશેખરને પૂછતા તેમને જણાવ્યું હતું કે, આ પનીરનો જથ્થો  વલસાડથી લાવ્યો હતો.પનીર અસલી છે કે નકલી તેની મને કોઈ જાણ નથી. મને વલસાડથી જે જગ્યાએ પનીર આપવાનું કહ્યું હતું, ત્યાં હું લઈ જતો હતો.