Site icon Revoi.in

સૌરાષ્ટ્ર યુનિ.માં 23,462 ડીગ્રીઓ ખોટા સરનામાંને લીધે પરત ફરી, વિદ્યાર્થીઓ ડીગ્રી લેવા આવતા નથી

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક થયેલા વિદ્યાર્થીઓને ડીગ્રી સર્ટી આપવા માટે દર વર્ષે પદવીદાન સમારોહ યોજવામાં આવતો હોય છે. જે વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત ન રહ્યા હોય તેમને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા ડીગ્રી સર્ટીફિકેટ તેમના સરનામે મોકલી આપવામાં આવતા હોય છે. પરંતુ જો વિદ્યાર્થીઓએ આપેલું સરનામું ખોટુ હોય અથવા અપુરતું હોય કે સરનામાંના સ્થળે વિદ્યાર્થી રહેતો ન હોય તો ડીગ્રી સર્ટી પરત આવતા હોય છે. યુનિવર્સિટીના 51 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધીમાં 23,461 ડીગ્રી. સર્ટી. પરત આવ્યા છે. આશ્વર્યની વાત તો એ છે, કે વિદ્યાર્થીઓએ પણ ડીગ્રી સર્ટી. માટે યુનિનો સંપર્ક કર્યો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિ.ના જુદા જુદા કોર્સમાં ઉત્તીર્ણ થનારા દરેક વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ થયા બાદ ડિગ્રી રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવતી હોય છે.પરંતુ ખોટા સરનામા સહિતના જુદા જુદા કારણોસર છેલ્લા 51 વર્ષમાં 23,461 ડિગ્રી પાછી આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ ગામડે રહેતા હોય છે પરંતુ શહેરમાં રહીને અભ્યાસ કરતા હોવાથી ક્યારેક અહીંનું સરનામું નોંધાવે છે, અભ્યાસ પૂર્ણ થયા બાદ તેઓ ગામડે જતા રહે છે પરંતુ સરનામું અહીંનું હોવાથી ડિગ્રી કોઈ નહીં સ્વીકારતા પરત આવે છે. જુદા જુદા કારણોસર 23,461 ડિગ્રી પાછી તો આવી પરંતુ બીજી બાજુ વિદ્યાર્થીઓ પણ એટલા જ બેદરકાર હોવાનું સામે આવ્યું છે કારણ કે કારકિર્દી માટે મહત્ત્વની ગણાતી ડિગ્રી પરત લેવા આટલા વર્ષો સુધી 23,461 વિદ્યાર્થી આવ્યા જ નથી. જોકે યુનિવર્સિટીએ આ તમામ પાછી આવેલી ડિગ્રીઓ વ્યવસ્થિત રીતે સાચવી રાખી છે. પરત આવેલી ડિગ્રીઓનું લિસ્ટ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકે છે અને રૂબરૂ યુનિવર્સિટીએથી પોતાની ડિગ્રી લઇ શકે છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વેબસાઈટ પર અત્યાર સુધીમાં પોતાની ડિગ્રી નહીં લઇ જનારા તમામ વિદ્યાર્થીઓના નામ અને ડિગ્રીનો પ્રકાર સાથેનું લિસ્ટ મુક્યું છે. જેમાં 1 ડિસેમ્બર 1971થી લઇને 27 માર્ચ- 2022 સુધીની જુદી જુદી ફેકલ્ટીની ડિગ્રીઓનો સમાવેશ થાય છે. યુનિવર્સિટીએ જાહેર કરેલી યાદીમાં સિરિયલ નંબર, ડિગ્રી સિરિયલ નંબર, સ્ટુડન્ટ નેમ, એક્ઝામ નેમ, સીટ અથવા એનરોલમેન્ટ નંબર અને સેનેટની તારીખ ઓનલાઇન વેબસાઇટ પર જાહેર કરી છે. વિદ્યાર્થીએ સૌથી પહેલા યુનિવર્સિટીની વેબસાઈટ https://degree.saurashtrauniversity.edu ખોલવાની રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીએ ડિગ્રી રિટર્ન લિસ્ટ ઉપર ક્લિક કરવું, ત્યારબાદ લિસ્ટ ઓફ ડિગ્રી રિટર્ન ઓપ્શન ઉપર ક્લિક કરવાથી પીડીએફ ડાઉનલોડનો ઓપ્શન આવશે તેના ઉપર ક્લિક કરવાથી પાછી આવેલી ડિગ્રીનું લિસ્ટ ખૂલશે. તેમાંથી પોતાનું નામ સર્ચ કરીને શોધી શકશે અને મેળવી શકશે.