Site icon Revoi.in

24-9-2007 :ધોનીની આગેવાનીમાં માત્ર 49 દિવસ અને 7 મેચમાં ટીમ ઈન્ડિયા બન્યું વર્લ્ડ ચેમ્પિયન

Social Share

દિલ્હીઃ કેપ્ટનકૂલ તરીકે ઓળખાતા મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં જ 14 વર્ષ અગાઉ આજના દિવસે જ ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો હતો. ધોનીની કેપ્ટનશીપમાં ભારતે 2007માં ટી-20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતું. ટી-20 વિશ્વ વર્લ્ડકપની શરૂઆત 2007માં જ થઈ હતી અને પ્રથમવાર જ ભારત ચેમ્પિયન બન્યું હતું.

ભારતીય ટીમના સચિન તેન્ડુલકર, રાહુલ દ્રવિડ અને સૌરભ ગાંગુલી જેવા દિગ્ગજ ક્રિકેટરોએ ટી-20માં રમવાનો ઈન્કાર કર્યો હતો. જેથી 7 ઓગસ્ટ 2007ના રોજ ધોનીને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. ધોનીએ 24મી સપ્ટેમ્બરે જ ટાઈટલ જીતાડીને પોતાની કાબેલિયત સાબિત કરી દીધી હતી. ધોનીએ કેપ્ટનશીપના માત્ર 49 દિવસમાં જ ટીમ ઈન્ડિયાને વિશ્વ ચેમ્પિયન બનાવી દીધું હતું. ટી-20 વિશ્વકપ જીતવા માટે ભારતે માત્ર 7 મેચ રમી હતી.

13મી સપ્ટે.ના રોજ ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ રમાવાની હતી જો કે, વરસાદના કારણે મેચ રદ થઈ હતી. બીજી મેચમાં ભારતે કટ્ટરહરિફ પાકિસ્તાનને બોલ આઉટથી હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ સામેની મેચમાં યુવરાજસિંહએ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 6 સિક્સર લગાવીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાને હરાવીને ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં જગ્યા બનાવી હતી. આવી જ રીતે સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

તા. 24 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે દક્ષિણ આફ્રિકાના જ્હોનીસબર્ગમાં ફાઈનલ રમાઈ હતી. ભારે ઉતાર-ચડાવ વચ્ચે ભારતે પાકિસ્તાનને પાંચ રનથી હરાજીને ટી-20 વિશ્વકપમાં જીત મેળવી હતી.

ફાઈનલની છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને માત્ર 13 રનની જરૂર હતી. જ્યારે માત્ર એક જ વિકેટ બાકી હતી. અંતિમ ઓવર ધોનીએ જોગીંદર શર્માને આપી હતી. શર્માએ પ્રથમ બોલ વાઈટ ફેંક્યો હતો. જેનો એક રન પાકિસ્તાનને મળ્યો હતો. આમ હવે પાકિસ્તાનને 6 બોલમાં માત્ર 12 રનની જરૂર હતી. જોગીંદર શર્માનો પ્રથમ બોલ ઉપર મિસ્બાહ રન બનાવી શક્યો ન હતો. જો કે, બીજા જ બોલમાં સિક્સર ફટકારીને જીતની આશા જગાવી હતી. જો કે, તે પછીના ત્રીજા બોલમાં શોર્ટ મારવાના ચક્કરમાં શોર્ટ ફાઈન લેગમાં શ્રીસંથને કેચ આપી દીધો હતો. આમ ભારતનો શાનદાર વિજય થયો હતો. ધોનીના નૈતૃત્વમાં ભારતે 2011માં વન-ડે વિશ્વકપ અને 2013માં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. આમ ધોની જ દુનિયાનો એક માત્ર કેપ્ટન છે કે જેની આગેવાનીમાં ટીમ આઈસીસીના તમામ ટાઈટલ જીતી હોય.