અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાને લીધે ડર કે મુંઝવણ અનુભવતા હોય છે. ત્યારે આવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપવા માટે દર વર્ષની જેમ આ વખતે પણ બોર્ડ દ્વારા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન 24 કલાક કાર્યરત રહેશે. વિદ્યાર્થી કે તેમના વાલીઓ પણ માર્ગદર્શન મેળવી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. આ પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ-વાલીઓને મૂંઝવતા પ્રશ્નોના માર્ગદર્શન માટે શહેર ડીઈઓ કચેરીએ પોતાને હસ્તક 600થી વધુ સ્કૂલોના વિદ્યાર્થીઓને માટે સારથિ હેલ્પલાઇન હેઠળ વોટ્સએપ નંબર શરૂ કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી સપ્તાહમાં 24 કલાક વાલીઓ-વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો સાંભળીને માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવશે. માત્ર અમદાવાદ જ નહીં તમામ શહેરોમાં ઓનલાઈન હેલ્પલાઈન સેવા કાર્યરત કરવામાં આવી છે. જેમાં નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નો અને મૂંઝવણોની વિગતો મેળવીને વિદ્યાર્થીઓ-વાલીઓનો સીધો જ સંપર્ક કરીને પ્રત્યુત્તર આપવામાં આવશે. વિદ્યાર્થીઓને કે વાલીઓને પરીક્ષાલક્ષી મનોવૈજ્ઞાનિક પ્રશ્નો માટે સાઇકોલોજિસ્ટ કાઉન્સેલર્સની ટીમ તૈયાર કરવામાં આવી છે. તેમના નંબર પર સીધો જ સંપર્ક કરી શકાશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, અમદાવાદ ડીઈઓ કચેરીએ કંટ્રોલ રૂમનો નંબર 079- 27912966 જાહેર કર્યો છે. જ્યારે સારથિ હેલ્પલાઇનનો વોટ્સએપ નંબર નંબર 9909922648 છે.આ સિવાય ડીઈઓએ વિવિધ વિસ્તાર પ્રમાણે કાઉન્સેલર, સાઇકોલોજિસ્ટની ટીમ તૈયાર કરી છે, જેઓ 24 કલાક વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનના જવાબ આપશે.