Site icon Revoi.in

રાજસ્થાનના હલ્દીઘાટીમાં રેવ પાર્ટી કરતા ગુજરાતના પીઆઈ સહિત 24 પકડાયા

Social Share

અમદાવાદઃ રાજસ્થાનના હલ્દીઘાટી વિસ્તારમાં આવેલા ખમનેર ગામ નજીક શાહીબાગમાં એક હોટેલમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર સ્થાનિક પોલીસે દરોડો પાડતાં ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી અને નવ મહિલા સહિત કુલ 24 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.રાજસ્થાન પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે,  હોટેલના રૂમમાંથી ત્રણ પેટી બિયર અને દારૂ પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની સમજાવટ છતાં પણ નશામાં ઝૂમતા લોકોએ ભારે હોબાળો મચાવતા પોલીસે તમામ 24 સામે શાંતિ ભંગના ગુના હેઠળ ધરપકડ કરી છે. પોલીસે હોટેલના સંચાલકની પણ ધરપકડ કરી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, હોટેલ સંચાલક મદનલાલ રમેશચંદ્ર ધાકડ ( રહે,જૂની બાવલ, નીમજ),  ગુજરાત સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દીપક હરીશભાઈ ભટ્ટ (ઓફિસર બંગલો, આણંદ), મોરબીના રમેશ પટેલ, નવસારીના રમણિકલાલ પટેલ, ઉદયપુરના ઉદયલાલ જાટ, ઉજ્જૈનના દિવ્યેશ બલઈ, આણંદના ધ્રુમિન પંડ્યા, આણંદના લાંભવેલના ભૂમિતકુમાર પટેલ, બોરસદના પરાગ પટેલ, આણંદના હર્ષિલ પટેલ, કુબેરનગરના પ્રદીપ ચતુર્વેદી, નરોડાના કાર્તિક પટેલ, આણંદના વિપુલ પટેલ, આણંદના અતુલ પટેલ, લાંભવેલના યતીનકુમાર પટેલ સહિત 9 મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી.