- ઓવર સ્પિડિંગ, ઓવરલોડ, વીમો, હેલ્મેટ સહિતના કેસ પકડાયા,
- કૂલ 1281 વાહનચાલકો પાસેથી 24 લાખનો દંડ વસુલવામાં આવ્યો,
- આરટીઓ દ્વારા હાઈવે પર સમયાંતરે ચેકિંગ કરાશે
ગાંધીનગરઃ જિલ્લાના આરટીઓ અધિકારીઓ દ્વારા હાઈવે પર સમયાંતરે ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે. ગત મહિનામાં આરટીઓએ ઓવરસ્પીડ, ઓવરલોડ, વીમો, પીયુસી, ફીટનેસ, હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન નહી કરવા બદલ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. જેના ભાગરૂપે કુલ-1281 કેસોમાંથી રૂપિયા 24 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.
ગાંધીનગર આરટીઓ કચેરી દ્વારા જિલ્લાના વિવિધ માર્ગો પર એક મહિના દરમિયાન ચેકિંગ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના માર્ગો ઉપર દોડતા વાહન ચાલકો દ્વારા ટ્રાફિકને લગતા 20 જેટલા નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે કે નહી તેની તપાસ કરવામાં આવી હતી. જિલ્લાના આરટીઓ કચેરી દ્વારા જિલ્લાના ચારેય તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં માર્ગો ઉપર દોડતા વાહનોના ચાલકો દ્વારા ઓવરલોડ, ઓવર ડાયમેન્શન, પરમીટ, સીટબેલ્ટ, ઓવરસ્પીડ, રોડ સેફ્ટી, રજીસ્ટેશન વિના દોડતા વાહનો, ફીટનેસ, ડ્રાઇવીંગ લાયસન્સ વિના વાહન ચલાવનાર, નંબર પ્લેટ વિના વાહન ચલાવનાર, પીયુસી, સાઇલેન્સર, અલ્ટરેશન, હુકમ ભંગ, અન્ય, વિમો, નો-પાર્કિંગ, ભયજનક અને હેલ્મેટ સહિતના નિયમોનું પાલન નહીં કરવાના કુલ-1281 કેસ બન્યા હતા. તેમાંથી પેન્ડિંગ કેસ 698 હોવાથી આવા વાહન ચાલકો પાસેથી આરટીઓ દ્વારા નક્કી કરેલી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. આથી પેન્ડિંગ 698 કેસના કુલ રૂપિયા 15.88 લાખનો દંડ ફટકારીને રિકવરી કરવામાં આવી હતી. તેમાંથી 583 કેસની રીકવરી કરીને કુલ રૂપિયા 8.12 લાખનો દંડની વસુલાત કરવામાં આવી હતી. આથી સપ્ટેમ્બર માસમાં કુલ-1281 કેસની કુલ રૂપિયા 24.0 લાખની વસૂલાત કરવામાં આવી હતી.
આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ લાયસન્સ વીના વાહન ચલાવનાર 107, નંબર પ્લેટવિનાના 105, પીયુસી વિનાના 124, વીમો વિનાના 69 સહિતના કેસ નોંધાયા છે. જોકે ગત માસમાં ઓવરલોડના 2, ઓવર ડાયમેન્શનના 3, પરમીટના 7, સીટબેલ્ટના 7, ઓવરસ્પીડના 15, રોડ સેફ્ટીના 4, રજીસ્ટેશન વિનાના 11, ફીટનેસના 25, સાઇલેન્સર 7, અલ્ટરેશન 9, અન્ય 3, હુકમ ભંગના 1, નો પાર્કિંગના 28, ભયજનક 70, હેલ્મેટના 36 કેસ નોંધાયા હતા,