Site icon Revoi.in

ભારતમાં દર વર્ષે પ્રદુષણથી 24 લાખ લોકોના થાય છે મોત

Social Share

રાજધાની દિલ્હીમાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ છે, પ્રદૂષણનું સ્તર એટલું વધી રહ્યું છે કે ખુલ્લી હવામાં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ રહ્યો છે. ઝેરી હવા દિલ્હીમાં રહેતા લોકોના સ્વાસ્થ્યને સૌથી વધુ અસર કરી રહી છે. પ્રદૂષણ અહીં રહેતા લોકોનું આયુષ્ય સતત ઘટાડી રહ્યું છે. તેના નુકસાન અંગે દરરોજ નવા અહેવાલો સામે આવી રહ્યા છે. દરમિયાન એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં દર વર્ષે પ્રદુષણથી લગભગ 24 લાખ લોકોના મોત થાય છે.

ઉત્તર ભારતના કેટલાક શહેરો અને નગરોમાં દર વર્ષે ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી પ્રદૂષણની સમસ્યા સર્જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે દિલ્હીની હવા સતત ઝેરી બની રહી છે. બહાર નીકળતાની સાથે જ લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થવા લાગે છે. ઈચ્છા વગર પણ લોકો આ ઝેરને પોતાના શરીરની અંદર લેવા માટે મજબૂર છે, જે તેમના શરીરને નુકસાન પહોંચાડે છે.

ધ લેન્સેટ કમિશનના રિપોર્ટમાં પ્રદૂષણને કારણે થતા મૃત્યુ અંગે ઘણા ચોંકાવનારા આંકડા આપવામાં આવ્યા હતા. જેમાં કહેવામાં આવ્યું હતું કે દર વર્ષે પ્રદૂષણને કારણે લગભગ 90 લાખ લોકો મૃત્યુ પામે છે. જેમાં વાયુ પ્રદૂષણને કારણે 60 લાખથી વધુ લોકોના મોત થાય છે. આ રિપોર્ટમાં ભારતને લઈને પણ આંકડા આપવામાં આવ્યા હતા, રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં એક વર્ષમાં લગભગ 24 લાખ લોકોના મોત માટે પ્રદૂષણ જવાબદાર છે. એટલે કે પ્રદૂષણને કારણે થતા રોગોને કારણે દરરોજ સરેરાશ 6.5 હજાર લોકો મૃત્યુ પામે છે.

આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે દુનિયાભરમાં પ્રદૂષણને કારણે મરનારા લોકોની સંખ્યા મોટાભાગે એવા દેશોમાંથી છે જ્યાં ગરીબી વધારે છે. પ્રદૂષણને કારણે થતા આર્થિક નુકસાનની સૌથી વધુ અસર ઓછી આવક ધરાવતા દેશો પર પડે છે.